Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હિમાચલમાં બરફવર્ષાઃ ૨ હાઇવે સહિત ૪૦૧ રોડ બંધઃ મનાલી સહિત ૭ સ્થળે પારો માઇનસથી નીચે

રાજયમાં બરફવર્ષાથી ૩૪૪ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છેઃ અનેક વિસ્તારોમાં પાણીની સપ્લાયમાં અડચણ ઊભી થઈ છેઃ અટલ ટનલ રોહતાંગને પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવી છેઃ સોલંગનાલા પર્યટન સ્થળને પણ બંધ કરી દેવામાં આવ્યું છે

શિમલા, તા.૨૯ : નવા વર્ષના ઠીક પહેલા હિમાચલ પ્રદેશમાં ફરી એક વાર બરફવર્ષા થઈ છે. રવિવાર રાત્રે હિમાચલમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડ્યા બાદ શિમલા, મનાલી, ડેલહાઉસી સહિત અનેક પર્યટન સ્થળોમાં જોરદાર બરફવર્ષા થઈ છે. શિમલા અને ધર્મશાળાના નડ્ડી અને સોલાનમાં સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. સોલાનના સુબાથૂમાં ૨૫ વર્ષ અને ધર્મપુરમાં ૨૦ વર્ષ બાદ બરફવર્ષા થઈ છે. બરફવર્ષાથી મનાલી-લેહ અને આની-જલોડી જોત નેશનલ હાઈવે સહિત ૪૦૧ રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તેને ફરી ખોલવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

કયાં, કેટલા રસ્તાઓ થયા બંધ? ચંબામાં સૌથી વધુ ૧૫૦ રસ્તા બંધ છે, જયારે કુલ્લુમાં ૫૭, લાહૌલ સ્પીતિમાં ૭૫, મંડીમાં ૨૭, શિમલામાં ૮૭ રસ્તા બંધ છે. આ ઉપરાંત પણ નાના-મોટા રસ્તા પર વાહન વ્યવહાર ઠપ છે. હિમાચલ એસટી નિગમના ૩૭૭ રૂટ પ્રભાવિત થયા છે. જયારે બસો અડધે રસ્તે ફસાઈ ગઈ છે. રાજયમાં બરફવર્ષાથી ૩૪૪ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણીની સપ્લાયમાં અડચણ ઊભી થઈ છે. અટલ ટનલ રોહતાંગને પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવી છે. સોલંગનાલા પર્યટન સ્થળને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રશાસને પ્રવાસીઓને મનાલીથી પાંચ કિમી દૂર નેહરુકુંડ સુધી જ જવાની મંજૂરી આપી છે.

તાપમાનમાં ભારે ઘટાડો હિમાચલના ૬ શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે. મનાલી ૦.૬ ડિગ્રી, કલ્પા -૩.૪, કેલાંગ -૧૧.૬, ભુંતર -૧.૨, મંડી -૨ ડિગ્રી, સોલાન -૦.૫, સુંદરનગરમાં લદ્યુત્તમ પારો -૧.૬ ડિગ્રી નોંધવામાં આવ્યો છે. રાજયમાં સૌથી વધુ તાપમાન ઉનામાં ૨૩.૬ ડિગ્રી રેકોર્ડ થયું છે.

ક્રિસમસ અને નવું વર્ષ ઉજવવા હિમાચલ પહોંચેલા પ્રવાસીઓને તાજેતરમાં થયેલી બરફવર્ષાથી લાભ થઈ ગયો છે. પર્યટકો સોમવારે દિવસભર પર્યટન સ્થળોમાં બરફની વચ્ચે મસ્તી કરતા જોવા મળ્યા. શિમલા-મનાલી સહિત પર્યટન સ્થળોની હોટલો પેક થઈ ગઈ છે. બીજી તરફ નવા વર્ષની ઉજવણી કરવા વધુ પર્યટકો આવવા લાગ્યા છે.

(3:30 pm IST)