Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જમ્મુમાંથી બે હેન્ડગ્રેનેડ સાથે આતંકી ઝબ્બે

હેન્ડગ્રેનેડ કોને આપવાના હતા, આતંકી મોહમ્મદ અશરફની પુછપરછ

જમ્મુઃ હવે આતંકવાદીઓના નિશાન પર જમ્મુ શહેર છે. ગત દિવસોમાં જમ્મુના નરવલા વિસ્તારમાંથી એસઓજી દ્વારા બે આંતકવાદીઓ હથિયાર સાથે ગિરફતાર કર્યા પછી હવે જમ્મુ પોલીસે બાગ-એ- બાહુ વિસ્તારમાંથી લશ્કર- એ- તૈયબાના એક આતંકવાદીને ઝડપી પાડયો છે. એટલું જ નહીં પૂછપરછ પછી તેણે બતાવેલ જગ્યાએથી પોલીસે બે હેન્ડ ગ્રેનેડ પણ ઝડપી લીધા છે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સી પાસેથી બાતમી મળ્યા પછી પોલીસે બાગ- એ - બાહુ અને સુંજવાની વચ્ચેના મોહલ્લા પીર બાગમાં દરોડો પાડયો હતો. બાતમીના આધારે પોલીસે એક મકાનમાં જઈને ત્યાં રહેતા મોહમ્મદ અશરફની ધરપકડ કરી હતી. પૂછપરછમાં અશરફે જણાવ્યું કે તેની પાસે ગ્રેનેડ છે. જે તેણે મોહમાયાના જંગલોમાં છૂપાવ્યા છે. પોલીસ પાર્ટી તેને લઈને ત્યાં પહોંચી અને જંગલમાં છૂપાવેલા બે ગ્રેનેડ ઝડપી લીધા હતા. સુત્રોનું કહેવું છે કે અશરફે આ ગ્રેનેડ કોઈને આપવાના હતા. હવે પોલીસ તેની પુછપરછ કરી રહી છે કે તે કયા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે અને આ ગ્રેનેડ તેણે કયાં આપવાના હતા.

(3:33 pm IST)