Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નબળા વિપક્ષના કારણે ખેડૂતો આજે રસ્‍તા ઉપર ઉતર્યાઃ ખેડૂત નેતા રાકેશ ટિકેતનો આક્રોશ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 34મો દિવસ છે અને દિલ્હીની તમામ સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂતો સતત કાયદો પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેતએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે નબળા વિપક્ષના કારણે ખેડૂતો આજે રસ્તા પર છે.

દેશમાં વિપક્ષ મજબૂત રહેવો જોઈએ- રાકેશ ટિકેત

ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે ક્રાંતિ ચિંગારી બનશે. દેશના ખેડૂતો છે, સરકારે વાત માની લેવી જોઈએ. વિપક્ષ મજબૂત નથી. દેશમાં વિપક્ષ હોવો જોઈએ. જો વિપક્ષ મજબૂત હોત તો અમારે રસ્તાઓ પર ઉતરવાની જરૂર ન પડત.

એક મહિનાથી ચાલી રહ્યું છે ખેડૂતોનું પ્રદર્શન

અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા એક મહિનાથી ચાલુ છે. આ બધા વચ્ચે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 6 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે પરંતુ અત્યાર સુધી કોઈ સહમતિ બની નથી. આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી તબક્કાની વાતચીત હવે 30 ડિસેમ્બરે થશે. ખેડૂતોએ વાતચીત માટે સરકારે 29 ડિસેમ્બરની તારીખ આપી હતી. પરંતુ સરકાર તરફથી 30 ડિસેમ્બરનું આમંત્રણ મળ્યું. જેને ખેડૂતોએ સ્વીકારી લીધુ. પરંતુ સરકારને એજન્ડા જણાવવાનું કહ્યું છે.

(4:36 pm IST)