Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કોરોનાના નવા સ્ટ્રેન વચ્ચે ઉગી આશા:સરકારના વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું - વેક્સિન નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ કામ કરશે

બ્રિટન વેરિઅન્ટ આવ્યાના સમાચાર પહેલા અંદાજે 5 હજાર જિનોમ સિક્વેન્સિંગ કર્યા

બ્રિટનથી પરત ફરેલા કેટલાક લોકોમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા પછી ફરી ચિંતા વધી ગઈ છે. 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો આ સ્ટ્રેનથી દેશમાં સાત લોકો સંક્રમિત મળ્યા છે. આ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે જણાવ્યું કે વેક્સિન નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ કામ કરશે. ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવને મંગળવારે જણાવ્યું કે રસી બ્રિટન અને સાઉથ આફ્રિકામાં મળેલા વાઇરસના નવા વેરિઅન્ટ વિરુદ્ધ પણ કામ કરશે. કોઈ પુરાવા નથી કે વર્તમાન રસી નવા સ્ટ્રેનવાળા વાઇરસથી બચાવવામાં નિષ્ફળ જશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે બ્રિટન વેરિઅન્ટ આવ્યાના સમાચાર પહેલા અમે અંદાજે 5 હજાર જિનોમ સિક્વેન્સિંગ કરી છે. તેમણે જણાવ્યું કે હવે અમે તેમાં વધારો કરવા જઇ રહ્યા છે.

 નીતિ આયોગના સભ્ય ડો. વીક પોલે જણાવ્યું કે શિયાળાની ઋતુમાં અત્યારે પણ એક મોટી વસ્તી કોવિડ-19ને લઇને અતિસંવેદનશીલ છે. બ્રિટન વેરિઅન્ટ કેટલાક દેશોમાં પહોંચી ચુક્યો છે, જેમાં ભારત પણ સામેલ છે. આ વેરિઅન્ટની તેની પોતાની ગતિ હોઇ શકે છે અને આપણને ખૂબ જ સાવચેત રહેવાનુ છે. કોઇ પણ બેદરકારી ના રાખી શકે.

અગાઉ એઇમ્સના ડાયરેક્ટર અને કોવિડ-19 મેનેજમેન્ટને લઇને બનેલી નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રણદીપ ગુલેરિયાએ શુક્રવારે જણાવ્યું હતુ કે દર મહિને સરેરાશ બે મ્યૂટેશન હોય છે અને નવા સ્ટ્રેનથી ભયભીત થવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે મ્યૂટેશનના લક્ષણ અને સારવારની રણનીતિમાં કોઇ ફેરફાર નથી. અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા મુજબ ટ્રાયલમાંની રસી નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ અસરકારક હોવી જોઇએ.

બ્રિટનથી ભારત પરત ફરેલા સાત લોકોના સેમ્પલમાં સોર્સ-સીઓવી2નું નવુ સ્વરૂપ મળ્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે બેંગ્લુરુ સ્થિત રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને સ્ન્નાયુ વિજ્ઞાન હોસ્પિટલ (નિમહાંસ)માં તપાસ માટે આવેલા ત્રણ સેમ્પલ, હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) અને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (એનઆઈવી)માં એક સેમ્પલમાં વાઇરસનું નવું સ્વરૂપ મળ્યુ છે.

મંત્રાલયે જણાવ્યું કે રાજ્ય સરકારોએ આ તમામ લોકોને નક્કી કરેલા સ્વાસ્થ્ય સેવા કેન્દ્રોમાં ક્વારન્ટાઇન કર્યા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ તમામ લોકોની સાથે યાત્રા કરનાર લોકો, તેમના પરિવારના સભ્યો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવી રહ્યુ છે. અન્ય સેમ્પલ પર રિસર્ચ થઇ રહ્યું છે.

સૌથી પહેલા બ્રિટનમાં મળેલ વાઇરસના નવા સ્ટ્રેન ડેનમાર્ક, હોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, કેનાડા, જાપાન, લેબનાન અને સિંગાપુરમાં મળ્યુ છે. મંત્રાલયે જણાવ્યું કે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની અડધી રાત સુધી બ્રિટનથી પરત ફરેલા અંદાજે 33,000 યાત્રી વિભિન્ન ભારતીય એરપોર્ટ પર ઉતર્યા છે. આ તમામ દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યના વહીવટીતંત્ર તેમનું આરટી-પીસીઆર તપાસ કરાવી રહ્યું છે.

(10:23 pm IST)