Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

વિશ્વના ભ્રષ્ટ રાષ્ટ્રોમાં ૧૮૦ દેશોમાં ભારત ૮૬મા ક્રમે

ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટમાં ખુલાસો : ન્યૂઝીલેન્ડ સૌથી પ્રમાણિક, ચીનની તુલનાએ ભારતમાં કરપ્શન વધુ, પાકિસ્તાન તો આખું ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે

બર્લિન, તા. ૨૯ : ભ્રષ્ટાચારના મુદ્દે ભારત વિશ્વસ્તરે હજુ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. કોરોના કાળ દરમિયાન ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે, પડોસી દેશોમાં ચીનની સરખામણીએ ભારતમાં કરપ્શન વધારે છે જ્યારે પાકિસ્તાન તો આખુ ભ્રષ્ટાચારમાં ડૂબેલુ છે. આ સરવે મુજબ ન્યૂઝીલેન્ડ વિશ્વના ૧૮૦ દેશોની સરખામણીએ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં પહેલા સ્થાને છે. જ્યારે ડેનમાર્ક બીજા ક્રમ પર છે. ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટમાં ૧૮૦ દેશોના સમૂહમાં ભારત ભ્રષ્ટાચારના મુદ્દે ૮૬માં નંબર પર છે. રિપોર્ટમાં એ વાતનો ખુલાસો પણ થયો હતો કે, જે દેશોમાં ઓછો ભ્રષ્ટાચાર છે તેઓ કોરોના મહામારી સામે બહુ જલ્દીથી ઉભરી આવ્યા હતા. કરપ્શનના મુદ્દે ૨૦૧૯માં ભારત ૮૦માં ક્રમે હતું. કરપ્શનના મુદ્દે પડોસી દેશ પાકિસ્તાન પણ સૌથી ખરાબ દેશોની યાદીમાં સામેલ છે. આ રેક્નિંગમાં પાકિસ્તાન ૧૨૪માં સ્થાને હતું, જ્યારે ચીન ૭૮માં ક્રમે છે.

       આ સિવાય નેપાળ ૧૧૭માં અને બાંગ્લાદેશ ૧૪૬માં ક્રમે છે. આ રિપોર્ટમાં જાહેર ક્ષેત્રો અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોની સલાહ લેવામાં આવી હતી. આ માટે ૦-૧૦૦ના સ્કેલ પર રેક્નિંગ કરવામાં આવ્યું હતું. ૦ એ દેશને મળતો જ્યાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે અને ૧૦૦નો આંકડો એ દેશને મળતો જ્યાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો કે બિલકુલ નથી. ભ્રષ્ટાચારના મુદ્દે મહાસત્તા અમેરિકાની રેક્નિંગ પર ગગડી હતી. આ વર્ષે અમેરિકાનો ક્રમ ૬૭ હતો. જ્યારે કોરોના કાળમાં ન્યૂઝીલેન્ડએ તેના યથાગ પ્રયત્નોથી દુનિયાભરની પ્રશંસા મેળવી હતી. રિપોર્ટમાં ૮૮નો આંકડો મેળવી ન્યૂઝીલેન્ડ વિશ્વના ૧૮૦ દેશોની સરખામણીએ સૌથી ઓછો ભ્રષ્ટાચાર વાળો દેશ હતો. સૌથી ઓછુ ભ્રષ્ટાચાર ધરાવતા ૧૦ દેશોની યાદીમાં પ્રથમ ન્યૂઝીલેન્ડ પછી ડેનમાર્ક બીજા ક્રમે છે. ફિનલેન્ડ ત્રીજા સ્થાને છે. જે પછી અનુક્રમે સ્વિત્ઝરલેન્ડ, સિંગાપુર, સ્વિડન, નોર્વે, નેધરલેન્ડ, લગ્ઝમબર્ગ અને જર્મની હતા. રિપોર્ટ મુજબ દક્ષિણ સૂદાન અને સોમાલિયા વિશ્વના સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશો છે.

(12:00 am IST)