Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સમાજસેવી અન્ના હજારે ભૂખ હડતાલ નહિ કરે : કહ્યું -- સરકાર કેટલીક માગ પર સંમત : ઉપવાસ માંડી વાળ્યા

પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચોધરી સાથેની મુલાકાત બાદ અન્નાની ભૂખ હડતાલ મોકૂફ

મુંબઈ : સમાજસેવી અન્ના હજારેએ કૃષિ કાયદા વિરુદ્ધમાં પોતાના નિર્ધારિત ઉપવાસ હવે નહીં કરવાનો નિર્ણય લીધો છે. અન્નાએ ખુદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આ પ્રકારની જાહેરાત કરી છે. એટલુ જ નહીં, અન્નાએ ખેડૂતોના હિતમાં સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને પણ ટેકો આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં શનિવારના રોજ અન્ના ઉપવાસ પર બેસવાના હતા. આ અગાઉ તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં આવેલા પોતાના ગામમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે

ભાજપના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચોધરી સાથેની મુલાકાત બાદ હજારેએ એવું જણાવ્યું કે હું હવે કૃષિ કાયદાની વિરૃદ્ધ ઉપવાસ કરવાનો નથી. હજારેએ કહ્યું કે કેન્દ્ર સરકાર મારી કેટલીક માગ પર સંમત થઈ છે અને ખેડૂતોની દશા સુધારવા એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. તેથી મેં અનિશ્ચિત ભૂખ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ના હજારે કેન્દ્રના કૃષિ કાયદાની વિરૃદ્ધમાં 30 જાન્યુઆરીએ તેમના વતન રાલેગામ સિદ્ધીમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ પર ઉતરવાના હતા.

તેમણે એક નિવેદનમાં કહ્યુ હતું કે, હું કૃષિ ક્ષેત્રમાં સુરક્ષાની માગ કરી રહ્યો છું, પણ એવુ લાગે છે કે, કેન્દ્ર સરકાર ખેતી સાથે જોડાયેલા મુદ્દાને લઈને સંવેદનશીલ નથી. તેમણે કોરોનાના કારણે સમર્થકોને એકઠા ન થવાની પણ અપીલ કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના ત્રણેય કૃષિ કાયદાની વિરુદ્ધમાં દેશની રાજધાની દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ અડ્ડો જમાવ્યો છે. તેઓ આ કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવુ છે કે, જ્યાં સુધી સરકાર આ કાયદાઓને પાછા નહીં ખેંચે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં. કેન્દ્ર સરકાર સાથે આ મામલે 10 વખત વાર્તાઓ થઈ છે, જો કે, આ વાર્તાલાપમાંથી કંઈ ઠોસ પરિણામ આવ્યા નથી.

(12:00 am IST)