Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સોમવારે સવારે ૧૧ કલાકે રજુ થશે અંદાજપત્ર

નિર્મલા તારશે કે મારશે? અટકળો-અનુમાનોની આંધી

દરેક વર્ગ અને દરેક સેકટરને બજેટથી કંઇને કંઇક આશાઃ કોરોના કાળમાં બે છેડા ભેગા કેમ કરવા? સરકારને સતાવતો સવાલઃ કોવિડ ટેક્ષ ઝીંકાવા વકીઃ મધ્યમવર્ગને ટેક્ષમાં થોડી રાહત મળશે

નવી દિલ્હી, તા.૩૦: સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમન ૨૦૨૦-૨૧-૨૨નું સામાન્ય અંદાજપત્ર રજુ કરશે. કોરોનાનાં કપરાકાળમાં તેઓ આમ આદમીને મારશે કે તારશે એ બાબતને લઇને વિવિધ અટકળો થઇ રહી છે. કોરોના કાળમાં જયાં લોકડાઉનને કારણે સરકારની આવક ઘટી છે અને સામાન્ય વર્ગની કેડ તુટી ગઇ છે આ સંજોગોમાં તેઓ કેવું સંતુલન રાખે છે તે જોવાનું રહ્યું. દેશના દરેક વર્ગ અને દરેક સેકટરને બજેટથી મોટી અપેક્ષાઓ છે. કૃષિ અને આરોગ્ય સેકટર પાછળ વધુ ફાળવણીની આશા છે તો મધ્યમ-પગારદાર વર્ગ ટેક્ષમાં રાહત મળે અને હાથ પર વધુ પૈસા રહે તેવું ઇચ્છે છે.

સદીની સૌથી મોટી મહામારી કોરોનાથી ભારતીય અર્થવ્યવસ્થાને ઉગારવાના પ્રયાસોમાં લાગેલી કેન્દ્ર સરકારના આગામી બજેટનો ઉદેશ લાંબા ગાળા સુધી તે જ આર્થિક વિકાસ દરનું માળખું તૈયાર કરવા પર કેન્દ્રીત રહેશે. આ વાતના સંકેત શુક્રવારે રજૂ થયેલ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૦-૨૧માં અપાયા છે. સર્વેક્ષણના એ સંકેત પણ સ્પષ્ટ છે કે હેલ્થ સેકટર આગામી બજેટમાં અને ત્યાર પછી પણ સરકારની નીતિગત વિચારધારાના કેન્દ્રમાં રહેશે. આવી જ રીતે સરકારે સંકેત આપ્યા છે કે ઘણાં સેકટરોમાં નિયમના જરૂરિયાતથી વધારે થઇ ગયું છે.

સોમવારે નિર્મલા સીતારમણ વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરશે તેમાં આવકવેરામાં કોઇ મોટી રાહતની આશા નથી. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે ઇન્કમટેક્ષ એકટની કલમ ૮૦ સી ની વિભીન્ન જોગવાઇઓમાં કેટલીક રાહત મળી શકે છે. વધારે રાહતની શકયતા નથી.

એન્જલ બ્રોકીંગના ડેપ્યુટી વાઇસ પ્રેસીડન્ટ (રિસર્ચ) અનુજ ગુપ્તાએ કહ્યું કે સરકાર ૮૦ સી હેઠળ આવકમાં ૧.૫ લાખ સુધીની છૂટને વધારીને ૨ લાખ સુધી કરી શકે છે. આ ઉપરાંત, સરકાર પોતાની આવક વધારવા માટે કોરોના સેસ લગાવી શકે છે. અનુજ ગુપ્તાએ કહ્યું કે જો કોરોના સેસ લાગશે તો તે વધારે આવકવાળી કેટેગરી અને કોર્પોરેટ ટેક્ષ પર લાગશે.

પીએચડી ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંજય અગ્રવાલે કહ્યું કે સરકાર પર્સના ઇન્કમ ટેક્ષના મહત્તમ દર ૨૫ ટકા કરી શકે છે, અત્યારે તે ૩૦ ટકા છે. અગ્રવાલ અનુસાર ટેકસ રેટ ઘટાડવાથી  ટેક્ષ અને જીડીપીનો રેશીયો વધશે. અત્યારે તે ૧૭ ટકા છે, જયારે ચીન-બ્રાઝીલ જેવા દેશોની સરેરાશ ૨૧ ટકા છે.

અગ્રવાલે કહ્યું કે સરકાર હોમલોન પર વ્યાજની હાલતમાં અપાતી ૨ લાખની છૂટને વધારીને ૩ લાખ કરી શકે છે. આ છૂટ ઇન્કમ ટેક્ષની કલમ ૨૪ હેઠળ મળે છે. હાલમાં આ છૂટ મકાનનો કબ્જો મળ્યા પછી આપવામાં આવે છે. અગ્રવાલે સૂચન કર્યુ કે લોન મળે તે જ દિવસથી જો આ છૂટ મળે તો હાઉસીંગ સેકટરમાં પણ તેજી આવશે.

ઇન્કમ ટેક્ષના સેકશન ૨૩(પ) હેઠળ ના વેચાયેલી સંપતિ જો ભાડે ન આપવામાં આવી હોય તો કંપ્લીશન સર્ટીફીકેટ મળ્યા પછી બે વર્ષ સુધી તેની વેલ્યુને નીલ ગણવામાં આવે છે, ત્યાર પછી માની લેવાયા છે કે પ્રોપર્ટીના માલિકને તેમાંથી આવક મળી રહી છે અને તેના પર ટેક્ષ લાગે છે. અગ્રવાલે કહ્યું કે સરકાર આ જોગવાઇને સંપૂર્ણપણે હટાવી શકે છે અથવા આ મુદતને ૨ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી શકે છે.

(10:13 am IST)