Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

1920માં મહાત્‍મા ગાંધીજી જે રેલગાડીમાં મુસાફરી કરવાના હતા તેને દુર્ઘટનાગ્રસ્‍ત કરવાનો અંગ્રેજ સરકારે પ્‍લાન ઘડયો હતોઃ અનેક વખત હૂમલા પણ થયા હતા

અમદાવાદ: 1948માં આજના દિવસે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ એક એવી ઘટના બની, જે સમગ્ર દેશ માટે આજે પણ દુખદાયક કહેવાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં જતા સમયે નથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળીઓ વરસાવી હતી. કહેવાય છે કે, 5.17 મિનીટે તેમના પર ગોળી ચાલી હતી. પરંતુ એ દિવસે તેમના નસીબમાં કંઈ ઓર જ લખાયું હતું. કારણ કે, આમ તો તેઓ 5.10 મિનીટે પ્રાર્થના હોલમાં જતા રહેતા હતા, પરંતુ તે દિવસે તેમને મોડું થયું હતુ. આ તો હતી ગાંધી હત્યા, પણ શું તમને ખબર છે કે, ગાંધીજી પર આ પહેલા પણ અનેકવાર હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમને હત્યાની ધમકીવાળા અનેક પત્રો મળ્યા હતા. www.gandhiheritageportal.org પર તેમની હુમલા અને હત્યાના પ્રયાસો વિશેની માહિતી આપવામાં આવી છે.

    31 મે, 1893માં પીટરમેરિત્સબર્ગ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી તેમને ધક્કો આપીને ઉતારી દેવાયા હતા.

    2 જૂન, 1893માં પારડેકો, ટ્રાન્સવાલના સીગરામના હેડ દ્વારા હુમલો કરાયો હતો

    13 જાન્યુઆરી, 1897માં ડરબનના બંદર પર ઉતરતા જ ભીડ દ્વારા હુમલો

    10 ફેબ્રુઆરી 1908ના રોજ જ્હોનિસબર્ગમાં મીર આલમ તેમજ અન્યોએ તેમના પર હુમલો કર્યો. તો માર્ચ, 1914માં સભામાં હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેમાં મીર આલમ દ્વારા તેમને બચાવાયા હતા

    22 મે, 1920ના રોજ અમદાવાદમાં ગાંધીજી જે રેલગાડીમાં મુસાફરી કરવાના હતા, તેને દુર્ઘટનાગ્રસ્ત કરવાની યોજના સરકારે બનાવી છે તેવો હસ્તાક્ષરવાળઓ પત્ર 22 તારીખે મળ્યો હતો.

    11 જાન્યુઆરી, 1921ના રોજ તેમને અમદાવાદમાં હત્યાની ધમકીનો પત્ર મળ્યો હતો.

    25 એપ્રિલ 1934ના રોજ જશીદી-પટનામાં લાલનાથના નેતૃત્વમાં સનાતમ ધર્મીઓએ લાઠીઓ અને પત્થરોથી હુમલો કર્યો હતો.

    1934ના વર્ષે જ 27 જૂનના રોજ પૂણેમાં નગર નિગમ કાર્યાલયની પાસે ગાંધીજી પર બોમ્બ ફેંકાયો હતો.

    11 જુલાઈ, 1934ના રોજ કરાંચીમાં એક મુલાકાત પાવડો લઈને તેમની તરફ આવ્યો હતો, જેને પોલીસ દ્વારા પકડાયો હતો

    27 ફેબ્રુઆરી, 1940ના રોજ શ્રીરામપુર-કોલકાત્તામાં ગાંધીજી પર જૂતુ ફેંકવામાં આવ્યા હતું, જે મહાદેવભાઈ દેસાઈને લાગ્યું હતું

    8 સપ્ટેમ્બર, 1944ના રોજ સેવાગ્રામમાં હિન્દુઓના ગૂપના એક મુખીયા પાસેથી ચાકૂ મળી આવ્યો હતો, જે ગાંધીજી અને મોહંમદ અલી જિન્નાહની મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા.

    30 જૂન, 1946ના રોજ કરજત જતા સમયે નેરલ અને કરજના સ્ટેશનની વચ્ચે રેલગાડીને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ કરાયો હતો

    1946ના વર્ષે જ 28 ઓક્ટોબરના રોજ, અલીગઢમાં ગાંધીજીના ડબ્બા પર પત્થર ફેંકાયા હતા.

    31 જુલાઈ, 1947ના રોજ દિલ્હીથી રાવલપીંડી જતા સમયે ફિલ્લૌર સ્ટેશન પર એક બોમ્બથી રેલગાડીનો ઉડાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં ગાંધીજી મુસાફરી કરી રહ્યા હતા.

    31 ઓગસ્ટ, 1947ના રોજ કોલકાત્તામાં તેમના પર લાઠી અને પથ્થરોથી હુમલો કરાયો હતો.

    આખરે 30 જાન્યુઆરી, 1948ના રોજ સાંજે પ્રાર્થના સભામાં જતા સમયે નથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરાઈ હતી.

(4:57 pm IST)