Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

બિટકોઇનમાં રોકાણ કરનારા માથે સંકટના વાદળો છવાવાની શક્‍યતાઃ કેન્‍દ્ર સરકાર પ્રતિબંધ મુકીને ડિઝીટલ કરન્‍સીનું બિલ લાવવાની તૈયારીમાં

નવી દિલ્હી: આ વખતનું બજેટ સત્ર અનેક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ થવા જઈ રહ્યું છે. એક તરફથી જ્યાં દેશનું સામાન્ય બજેટ રજૂ થશે, ત્યાં બીજી તરફ સરકાર આ સત્રમાં ડિજિટલ કરન્સીને લઈને એક બિલ લાવવાની તૈયારીમાં છે. સરકારના આ બિલમાં ક્રિપ્ટો કરન્સીને બેન કરવાની તૈયારી થઈ રહી છે. આટલું જ નહીં, સરકાર રૂપિયાની ડિજિટલ કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે.

25 જાન્યુઆરીએ RBIની એક બુકલેટમાં રુપિયાના ડિજિટલ અવતારનો ઉલ્લેખ છે. RBI જાણવા મથી રહી છે કે, રૂપિયાના ડિજિટલ એડિશનથી શું ફાયદો થશે; અને તે કેટલું ઉપયોગી નીવડશે?

RBIએ બુકલેટ જાહેર કરતા કહ્યું કે, રિઝર્વ બેંક ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. જો કે આ પ્રાઈવેટ કરન્સી નહીં હોય. રિઝર્વ બેંકની બુકલેટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈવેટ ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા હાલના દિવસોમાં ઘણી વધી ગઈ છે. ભારતમાં સરકાર અને રેગ્યુલેટરોને પણ તેના પર અનેક આશંકા છે.

ભારતમાં ક્રિપ્ટો કરન્સીને લઈને કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી. 2018માં સરકારે એક સરક્યુલર થકી ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલી સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે સમગ્ર પ્રકરણની સુનાવણી કરતા સર્ક્યૂલર પર રોક લગાવવા સાથે તેને માન્યતા આપી દીધી હતી.

2019માં પણ આ કાયદા પર પ્રતિંબંધની માંગ થઈ ચૂકી છે. જો કે ત્યારે સરકારે તેને લઈને કોઈ પણ બિલ સંસદમાં રજૂ નહતું કર્યું. ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021માં કેટલાક અપવાદોને બાદ કરતાં ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવાની મંજૂરી આપશે.

(5:01 pm IST)