Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ઈઝરાયેલ દૂતાવાસ નજીક થયેલ બ્લાસ્ટ મામલે ઈરાનના નાગરિકો સહિતના શકમંદોની ધરપકડ

તમામ શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૃ

નવી દિલ્હી :દિલ્હી સ્થિત ઈઝરાયેલની એમ્બેસી નજીક વિસ્ફોટ થયો હતો. એ પછી તપાસ એજન્સીઓએ તપાસ શરૃ કરી હતી. ઈરાનના નાગરિકો સહિતના તમામ શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૃ કરવામાં આવી હતી. વિસ્ફોટ થયો તે સ્થળેથી ધમકીભર્યો પત્ર અને ગુલાબી રંગનો એક દુપટ્ટો મળી આવ્યો હતો.
દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ નજીક નાનકડો વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર-પાંચ કારના કાચ તૂટયા હતા. એક પણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. વિસ્ફોટ ખૂબ જ નાનો હતો, પરંતુ પાટનગર દિલ્હીના ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિસ્તારમાં વિસ્ફોટ થયો હોવાથી દેશની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ઈરાનના નાગરિકો સહિતના શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૃ કરી છે. દિલ્હીની સુરક્ષાની પોલ પણ એક રીતે આ ઘટનામાં છતી થઈ ગઈ હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ઘટના સ્થળની તપાસ કરીને પૂરાવા એકઠા કર્યા ત્યારે જણાયું હતું કે આસપાસના ઘણાં સીસીટીવી કેમેરા ચાલતા જ ન હતા. જે સીસીટીવી કેમેરા ચાલતા હતા તેના દૃશ્યો મેળવીને તપાસનો દોર આગળ વધારાયો હતો.
એક સીસીટીવી પ્રમાણે ઘટના બની તેની મિનિટો પહેલાં એક ટેક્સીમાં બેસીને બે લોકો ઘટના સ્થળે આવ્યા હતા. એ પછીની થોડીક ક્ષણો પછી વિસ્ફોટ થયો હતો. ટેક્સી ડ્રાઈવરનો સંપર્ક કરીને તપાસ અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી. તેના નિવેદનના આધારે ચિત્રો પણ બનાવ્યા હતા. ઓલા અને ઉબર પાસેથી ટેક્સી બુકિંગની વિગતો પણ મેળવવાની કવાયત શરૃ થઈ છે.

(11:57 pm IST)