Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

પત્નીને જીવન નિર્વાહ માટેની ચડત રકમ 2.60 કરોડ રૂપિયા ન આપવા બદલ પતિને 3 મહિનાની કેદ : પત્નીનું ભરણ પોષણ કરવા પતિ બંધાયેલો છે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : પત્નીને જીવન નિર્વાહ માટેની ચડત રકમ 2.60 કરોડ રૂપિયા ન આપવા બદલ તથા માસિક 1.75 લાખ રૂપિયા ન આપવા બદલ સુપ્રીમ કોર્ટએ પતિને 3 મહિનાની જેલસજા ફરમાવી છે.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે પત્નીને આપવાની થતી રકમ તથા જીવન નિર્વાહ માટે આપવાની થતી રકમ ચૂકવવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો.જેનો તેણે ઉપયોગ કર્યો નથી.તેમજ કોર્ટના  હુકમનો અનાદર કર્યો છે.તેથી અમો તેને 3 મહિનાની જેલસજા ફરમાવીએ છીએ.

મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ એ બોબડે અને ન્યાયાધીશ શ્રી એ એસ બોપન્ના તથા શ્રી વી રામસુબ્રમણ્યમની ખંડપીઠે તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે પતિએ 19 ફેબ્રુઆરીના  આદેશનું પાલન કર્યું નથી,  જે અંતર્ગત તેને ચડત તથા માસિક રકમ ચૂકવી દેવાની છેલ્લી તક આપવામાં આવી હતી.

આ વ્યક્તિ, જેણે ટેલિકોમ ક્ષેત્રે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોવાનો દાવો કર્યો હતો, તેણે કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી અને તેણે પુરેપુરી રકમ ચૂકવી દેવા માટે બે વર્ષનો સમય માંગ્યો હતો.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટને આપેલા વાયદાનું પાલન કરવામાં નિષ્ફ્ળ જાય છે તેને રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોજેક્ટ પર કામ કેવી રીતે આપવામાં આવ્યું છે ?

તામિલનાડુમાં રહેતા પતિને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે પત્નીને ભરણ પોષણ આપવા પતિ બંધાયેલો છે.તે પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)