Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો મહાવિસ્ફોટઃ ગંભીર સ્થિતિ

માર્ચમાં જ ૬ લાખ કેસઃ ૨૧૨૯ લોકોના મોત

માર્ચ મહિનો રાજ્ય માટે ઘાતક નિવડયોઃ માર્ચમાં જ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળોઃ લોકડાઉન લાદવુ પડે તેવા દિવસોઃ સરકાર ચિંતાતૂર

નવી દિલ્હી, તા. ૩૦ :. મહારાષ્ટ્રમાં કોરોનાનો મહાવિસ્ફોટ એકધારો ચાલુ છે. આ વર્ષે માર્ચ મહિનો રાજ્ય માટે ભારે ઘાતક નિવડયો છે. રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન લગાવવાની આશંકા વચ્ચે આ મહિનાના બહાર આવેલા આંકડાઓ ચોંકાવી દે તેવા છે. રાજ્યમાં ૧ થી ૨૯ માર્ચ વચ્ચે કોરોના વાયરસના લગભગ ૬ લાખ નવા કેસ સામે આવ્યા છે. એટલુ જ નહિ આ મહિમા જ ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. મહામારીની શરૂઆતથી મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.

આંકડાઓથી જાણવા મળે છે કે મહારાષ્ટ્રમાં ૧ થી ૨૯ માર્ચ વચ્ચે કોરોના વાયરસના ૫,૯૦,૪૪૮ કેસ સામે આવ્યા છે. આ પહેલા ગત સપ્ટેમ્બરમાં ૫,૯૩,૧૯૨ કેસ સામે આવ્યા હતા.

વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં રાજ્યમાં કોરોનાના કેસ ૩ મહિનાની સરખામણીમાં ઝડપથી ઘટી રહ્યા હતા પરંતુ આ મહિને આવેલા નવા કેસોએ છેલ્લા ૪ મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યોે. નવેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ વચ્ચે રાજ્યમાં કોરોનાના ૪,૮૭,૫૧૯ કેસ સામે આવ્યા હતા.

ગઈકાલે રાજ્યમાં ૩૧૬૪૩ કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન ૧૦૨ લોકોના મોત થયા હતા. રવિવારે ૪૦૪૧૪ કેસ આવ્યા હતા. હાલ રાજ્યમાં વાયરસના ૨૭૪૫૫૧૮ કેસ આવ્યા છે અને ૫૪૨૮૩ લોકોના મોત થયા છે.

૧૭ માર્ચ બાદ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં રોજ ૨૦,૦૦૦થી વધુ કેસ સામે આવે છે. આ મહિને જ ૨૧૨૯ લોકોના મોત થયા છે.

(10:26 am IST)