Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મહારાષ્ટ્રમાં નવા રાજકીય મતભેદો

ઉધ્ધવને લોકડાઉન લાદવું છેઃ NCPએ ના પાડી

મુંબઈ, તા.૩૦: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉનની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ઘવ ઠાકરેએ તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. પરંતુ ઉદ્ઘવના આદેશ પર સરકારની સહયોગી એનસીપી સહમત નથી. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા લોકડાઉનના મામલામાં ઉદ્ઘવ કરતા અલગ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અમે લોકડાઉન અફોર્ડ કરી શકીએ તેમ નથી.

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લોકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લોકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે.

મહત્વનું છે કે મુખ્યમંત્રી  ઠાકરેએ રવિવારે એવી યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા, જેથી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછી પ્રભાવિત થાય. સીએમની સાથે બેઠક બાદ રાજય સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ ડો પ્રદીપ વ્યાસે કહ્યુ કે, આવનારા દિવસોમાં બેડની સંખ્યા, ઓકિસજનની પૂર્વી અને વેન્ટિલેટર પર ભારે દબાવ હશે અને જો કેસ વધતા રહેશે તો તેની કમીનો સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલાથી કહેવામાં આવ્યુ કે, લોકડાઉનની જાહેરાત થવા પર લોકોની વચ્ચે કોઈ પ્રકારની અસમંજસની સ્થિતિ ન હોવી જોઈએ.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. એક દિવસ પહેલા ૪૦ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા બાદ રાજયમાં આજે ૩૧૬૪૩ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. રાજયમાં કુલ કેસ વધીને ૨૭,૪૫,૫૧૮ થઈ ગયા છે. અત્યાર સુધી ૨૩,૫૩,૩૦૭ લોકો સાજા થયા છે.

મુંબઈ, પુણે, નાગપુર સહિત દ્યણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુકયો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન લાગૂ રહેશે, જયારે ઔરંગાબાદમાં ૩૦ માર્ચથી ૮ એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ રહેશે. લોકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજયમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

(10:42 am IST)