Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રશિયામાં ઉનાળાના અંત સુધીમાં ૭૦ ટકા લોકોને રસી મુકાઇ જશે, બાદ હર્ડ ઇમ્યુનીટી આવી જશે

૬૩ લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયોઃ પુતિન

મોસ્કો તા. ૩૦: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને કહ્યું કે દેશમાં આ ઉનાળાના અંત સુધીમાં કોરોના વિરૂધ્ધ હર્ડ ઇમ્યુનીટી આવી જશે, પુતિનના હવાલાથી ન્યુઝ એજન્સી સિંહુઆએ જણાવ્યું કે, જે રશિયામાં વર્તમાન ગતિથી રસીકરણ અભિયાન ચાલુ રહેશે તો ઉનાળાના અંત સુધીમાં રશિયાના લગભગ ૭૦ ટકા વયસ્ક લોકોને રસી મુકાઇ જશે અને પછી હર્ડ ઇમ્યુનીટી આવી જશે.

પુતિને આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, રશિયામાં ૬૩ લાખ લોકોને રશીયન રસીનો પહેલો ડોઝ મળી ચુકયો છે અને ૪૩ લાખ લોકોને બીજો ડોઝ મળી ગયા છે. પુતિને પોતાનો પહેલો ડોઝ લીધો હતો જો કે તેના કોઇ ફોટાઓ જાહેર નથી કરાયા. તેમણે કહ્યું કે ત્રણે ત્રણ સ્થાનિક રસીઓ, સ્પુતનિક-પ, એપીવેક કોરોના અને કોવિવૈક અસરકારક વિશ્વસનીય અને સુરક્ષિત છે અને તેની કોઇ ગંભીર આડઅસરની માહિતી નથી.

ઉલ્લેખનિય છે કે જયારે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું હતું ત્યારે માનવામાં આવ્યું હતું કે જલ્દી હર્ડ ઇમ્યુનીટી હાંસલ કરી લેવાશે. જો કે જયારે રસી આવી તો મોટી સંખ્યામાં લોકોને તેમાં વિશ્વાસ નહોતો. વાયરસ પણ રૂપ બદલીને ડરાવવા લાગ્યો અને બાળકોની રસી તો હજુ આવી પણ નથી ત્યારે હર્ડ ઇમ્યુનીટી મેળવવી અઘરી દેખાઇ રહી છે. એવું મનાય રહ્યું છે કે હજુ વર્ષ ભર જોખમ ચાલુ રહેશે અને વધતા કેસોનો સામનો કરવો પડશે. બની શકે કે વાયરસ ફલુ જેવી બીમારી બની જાય. આ અંગેનો રિપોર્ટ નેચર જર્નલમાં છપાયેલ છે.

(3:17 pm IST)