Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

પાંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત સીટ નંદીગ્રામમાં પ્રચાર પડઘમ થયા શાંત

મમતાની ઇજા બાદ રાજકીય માહોલ ગરમ: દીદી 50 હજાર મતથી હારશે તેવો સુવેન્દુનો આત્મવિશ્વાસ

કોલકાતા: પાંચ રાજ્યની ચૂંટણી વચ્ચે સૌથી વધુ ચર્ચિત બેઠક નંદીગ્રામમાં પ્રચાર અભિયાન શાંત થઇ ગયો છે. પશ્ચિમ બંગાળમાં 1 એપ્રિલે બીજા તબક્કાનીચૂંટણીમાં 30 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. આ બેઠકમાંથી એક નંદીગ્રામ પણ છે. મમતા બેનરજી સાથે નંદીગ્રામનું નામ 2007થી જ જોડાયેલુ છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપના સુવેન્દુ અધિકારીને ટક્કર આપવાના તેમના નિર્ણયે આ બેઠકને મહત્વપૂર્ણ બનાવી દીધી છે. સુવેન્દુ અધિકારી પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે દીદી ચૂંટણી લડવા આવી તો ગઇ છે પરંતુ ઓછામાં ઓછા 50 હજાર મતથી હારશે. બીજી તરફ મમતા બેનરજી પણ સુવેન્દુ અધિકારીની ચૂંટણી હાર સાથે રાજ્યભરમાં મેસેજ આપવા માંગે છે.

 

વર્ષ 2011ની જનગણના અનુસાર નંદીગ્રામના બ્લૉક એકમાં 34 ટકા, બ્લૉક બેમાં 12.1 ટકા અને બ્લૉક ત્રણમાં 40.3 ટકા મુસ્લિમ મતદાર હતા. હવે 10 વર્ષ પછી આ સંખ્યામાં વધારો થયો હશે. 2016માં નંદીગ્રામ બેઠક પર મતદારોની સંખ્યા આશરે સવા બે લાખ હતી. જેમાં પુરૂષ વોટર એક લાખ 20 હજારથી વધુ હતા અને મહિલા વોટોની સંખ્યા એક લાખ 11 હજારથી વધુ હતી. 2016માં ત્યા 86.97 એટલે કે આશરે 87 ટકા મત પડ્યા હતા.

આ બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યા બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજીને ઇજા થઇ હતી. આ ઇજાને મમતા બેનરજીએ હુમલો ગણાવતા ષડયંત્ર તરફ ઇશારો કર્યો હતો. બીજી તરફ વિપક્ષી દળો તરફથી તેને સહાનુભૂતિ મેળવવા આવા આરોપ લગાવ્યાનું જણાવ્યુ હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મમતા બેનરજી તમામ જગ્યાએ વ્હીલ ચેર પર જ જોવા મળે છે.

પ્રથમ તબક્કાના મતદાન બાદ મમતા બેનરજીએ પાંચ દિવસ સુધી નંદીગ્રામના વિસ્તારમાં જ રોકાવાનો નિર્ણય કર્યો હતો. એમ પણ કહેવામાં આવે છે કે એક કઠિન લડાઇને કારણે મમતા બેનરજી નંદીગ્રામ અને તેની આસપાસના વિસ્તારમાં જ બંધાઇ ગઇ છે. 1 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ જ મમતા બેનરજી અન્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં સક્રિય થઇ શકશે.

– નંદીગ્રામ વિધાનસભામાં 97 ટકા મતદાર ગામડામાં વસવાટ કરે છે. નંદીગ્રામ-1માં 2 ટાઉન છે જ્યારે 98 ગામડા છે. નંદીગ્રામ-2માં 1 ટાઉન જ્યારે 40 ગામડા છે.
– 2011ની વસ્તીગણતરી અનુસાર નંદીગ્રામ-1માં 2 લાખ 07 હજાર 835 મતદાર હતા જ્યારે નંદીગ્રામ-2માં 1 લાખ 23 હજાર 219 મતદાર છે.
– નંદીગ્રામ-1માં 51.4 ટકા પુરૂષ મતદાર જ્યારે 48.6 ટકા મહિલા મતદાર છે. નંદીગ્રામ-1માં સૌથી વધુ 34 ટકા મુસ્લિમ મતદાર છે.
– નંદીગ્રામ-2માં 1 51.39 ટકા પુરૂષ મતદાર જ્યારે 48.61 ટકા મહિલા મતદાર છે. નંદીગ્રામ-2માં 12 ટકા મુસ્લિમ મતદાર છે.

(7:44 pm IST)