Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોવિશીલ્ડ વેકિસન લીધા બાદ ન બની એન્ટીબોડીઃ અદાર પૂનાવાલા સહિત ૭ લોકો સામે કોર્ટમાં કેસ

યૂપીની રાજધાની લખનઉમાં બની ઘટનાઃ કોવિશીલ્ડ વેકિસન લીધા બાદ ન બની એન્ટીબોડી

લખનૌ, તા.૩૦: કોવિશીલ્ડ વેકિસન લીધા બાદ એન્ટીબોડી ન બનવાનો કેસ સામે આવતા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા સહિત ૭ લોકો પર કેસ દાખલ કરાયો હોવાનું યૂપીમાં સામે આવ્યું છે. અહીં કોર્ટમાં અરજી દાખલ કરાતા રિપોર્ટ લઈને ૨ જુલાઈએ સુનાવણીનો આદેશ અપાયો છે.

મળતી માહિતી અનુસાર પ્રતાપ ચંદ્ર નામના વકીલે ૮ એપ્રિલે ગોવિંદ હોસ્પિટલમાં કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો અને બીજો ડોઝ ૨૮ જૂને લેવાનો હતો. આ સમયે વેકિસન લીધા બાદ પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહેતુ ન હોવાથી તેઓએ ૨૫મેના રોજ એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો. તેમાં જાણવા મળ્યું કે તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ નથી. જયારે સામાન્ય પ્લેટલેટ્સ પણ અડધાથી ઓછા હતા. તેનાથી સંક્રમણનો ખતરો વધ્યો છે. તેને લઈને કોવિશીલ્ડના સીરમ ઈન્સ્ટિયૂટના સીઈઓ અદાર પૂનાવાલાના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી છે.

વકીલે એફઆઈઆર કરી છે તેમાં અદાર પૂનાવાલા સહિત ૭ લોકોના નામ સામેલ કર્યા છે. અરજીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ, આઈસીએમઆરના મહાનિર્દેશક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન યૂપીના નિદેશક, ગોવિંદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર લખનઉના નિદેશકને પણ સામેલ કરવામાં આવ્યા છે.

વકીલે કોર્ટને આ દરેકના વિરોધમાં દગાખોરી અને હત્યાના કેસમાં કેસ નોંધવાનો આદેશ કરવાની માંગ કરી છે. આ અરજીને લઈને કોર્ટે પોલીસ સ્ટેશન પાસે રિપોર્ટ માંગ્યો છે અને અરજીને લઈને સુનાવણી ૨ જુલાઈના રોજ થશે.

(12:54 pm IST)