Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

આમ આદમીને પડયા પર પાટુઃ કાલથી દૂધ પણ મોંઘુ

કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, અનાજ-કઠોળ, શાકભાજી, ફળફળાદીના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે અમૂલે આપ્યો જોરદાર આંચકો : કાલથી અમૂલનુ દૂધ મોંઘુઃ લીટરે રૂ. ૨નો વધારો જાહેરઃ તમામ બ્રાન્ડમાં ભાવ વધારો અમલીઃ ગૃહિણીઓમાં ભારે દેકારો

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોનાકાળમાં ખાદ્યતેલ, શાકભાજી, અનાજ, ફળફળાદી, કઠોળ સહિતના ભાવ વધારા બાદ હવે આવતીકાલથી અમૂલ દૂધમા ભાવ વધારો અમલી બની રહ્યો છે. આમ આદમીને આંચકો લાગે તેમ આવતીકાલથી અમૂલની તમામ બ્રાન્ડના દૂધના ભાવમાં લીટરે રૂ. ૨નો ભાવ વધારો અમલી બનવા જઈ રહ્યો છે.

ગુજરાતમાં સામાન્ય વ્યકિતને આંચકો લાગે તેવા સમાચાર આજે બપોરે અમૂલ દ્વારા વહેતા કરવામાં આવ્યા છે. આવતીકાલથી અમૂલ શકિત, અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા દૂધની કોથળીમા ભાવ વધારો અમલી બની રહ્યો છે. અમૂલ દ્વારા એક લીટરના દૂધમાં રૂ. ૨નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે એક થેલીએ (૫૦૦ ગ્રામ) રૂ. ૧ વધારે ચૂકવવો પડશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની ચક્કીમાં પ્રજા પિસાઈ રહી છે અને સીંગતેલ સહિત અનાજ-કઠોળના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે આમ આદમી-ગૃહિણીઓને ઝાટકો લાગ્યો છે. કોરોનાકાળમાં ગજવા ખાલી છે ત્યારે ઘર ચલાવવાનંુ મુશ્કેલ બન્યુ છે ત્યારે દૂધનો ભાવ વધારો પ્રજાની કમર તોડી નાખશે તે નક્કી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા આ ભાવ વધારો કરાયો છે તેવુ જાણવા મળે છે.

અમુલે તમામ બ્રાન્ડના દૂધમાં રૂ. ૨ વધારો થતા હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લીટર રૂ. ૫૮માં, અમૂલ તાજા રૂ. ૪૬માં અને અમૂલ શકિત રૂ. ૫૨માં મળશે. નવો ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે.

(3:17 pm IST)