Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫ લાખને પાર

૨૪ કલાકમાં ૪૮ હજાર ૫૧૩ કેસ, ૭૬૮ દર્દીનાં મોત : દેશભરમાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોની સંખ્યા ૧૫.૩૧ લાખ પર પહોંચી, કુલ મૃત્યુ આંક ૩૪,૧૯૩ પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૨૯ : દેશમાં અનલોક – ૦૩ના કાઉન્ટ ડાઉન વચ્ચે કોરોના વાયરસ પણ બેકાબૂ થઈ રહ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮ હજાર ૫૧૩ નવા કેસ નોંધાયા છે અને ૭૬૮ લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૧૫  લાખ ૩૧ હજાર ૬૬૯ કેસ નોંધાયા છે. જેમાંથી ૫ લાખ ૦૯ હજાર ૪૪૭ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં ૯ લાખ ૮૮ હજાર ૦૨૯ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ ૩૪ હજાર ૧૯૩ દર્દીઓ ખતરનાક વાયરસના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.

             ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ૈંઝ્રસ્ઇ)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે મંગળવારે કોરોનાના ૪,૦૮,૮૫૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ૨૮ જૂલાઈ સુધીમાં ૧,૭૭,૪૩,૭૪૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં રિકવરી રેટ હાલ ૬૪.૫૦ ટકા જોવા મળી રહ્યો છે. તો તેની સામે પોઝીટીવિટી રેટ ૧૧.૮૬ ટકા થઈ ચૂક્યો છે. એટલે કે જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે, તેમાંથી ૧૧.૮૬ ટકા સેમ્પલ પોઝીટીવ નીકળી રહ્યા છે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે મોડી સાંજે જારી કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા ૧૫ લાખને પાર થઈ ચૂકી છે. હાલ ભારત દુનિયામાં કોવિડ-૧૯થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે છે.

ભારત પહેલાં બ્રાઝીલ અને પ્રથમ નંબર પર અમેરિકા છે. અમેરિકામાં કોરોના વાયરસના ૪૨ લાખ ૯૦ હજારથી વધુ દર્દીઓ છે તેમજ અહીંયા ૧ લાખ ૪૮ હજાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બ્રાઝીલમાં ૨૪ લાખ ૪૨ હજાર ચેપગ્રસ્તો છે. તેમજ વાયરસથી બ્રાઝીલમાં અત્યાર સુધીમાં ૮૭હજાર ૬૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

(12:00 am IST)