Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ચોકીદાર હવે તો રફાલની સાચી કિંમત કહો : દિગ્વિજયસિંહ

દિગ્વિજયસિંહના સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, તા. ૨૯ : રફાલ વિમાન મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે આ ડીલની કિંમત હવે તો જણાવી દેવી જોઈએ. તેમણે ટ્વિટર ટ્વિટનો મારો ચલાવતાં લખ્યું કે, આખરે ફાઈટર વિમાન આવી ગયાં. ૧૨૬ રફાલ ખરીદવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએએ ૨૦૧૨માં નિર્ણય લીધો હતો અને ૧૮ રફાલને છોડીને તમામ વિમાનનું નિર્માણ ભારત સરકારની એચએએલમાં કરવાની જોગવાઈ હતી. આ આત્મનિર્ભર ભારતનું પ્રમાણ હતું એક રફાલની કિંમત ૭૪૬ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતું મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ ફ્રાન્સની સાથે મોદીજીએ રક્ષા મંત્રી અને નાણાં મંત્રાલય તેમજ કેબિનેટ કમિટીની મંજૂરી વગર જ નવો કરાર કરી લીધો અને એચએએલનો અધિકાર છીનવીને ખાનગી કંપનીને આપવાની નવી સમજૂતિ કરી લીધી. રાષ્ટ્રીય સુરક્ષાને અવગણીને ૧૨૬ રાફેલ ખરીદવાને બદલે મમાત્ર ૩૬ રાફેલ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમણે લખ્યું હતું કે, એક રફાલની કિંમત કોંગ્રેસ સરકારે ૭૪૬ કરોડ રૂપિયા નક્કી કરી હતી. પરંતુ સંસદની અંદર અને બહાર પણ માગ કરવા છતાંય આજ સુધી ચોકીદાર સાહેબ રાફેલની કિંમત જણાવી રહ્યા નથી. આવું કેમ? કેમકે ચોકીદારજીની ચોરી સામે આવી જશે!! ચોકીદારજી હવે તો કિંમત જણાવી દો.

(12:00 am IST)