Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મારુતિએ પ્રથમવાર ૨૦૦૩ પછી ૨૬૮ કરોડની ખોટ કરી

ગત વર્ષે કંપનીએ આ ગાળામાં જ નફો કર્યો હતો : કંપનીનું ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ ઘટીને રૂપિયા ૩,૬૭૯ કરોડનું થઇ ગયું હતું

નવી દિલ્હી, તા. ૨૯ : દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ૧૭ વર્ષમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી હતી. મારુતિ સુઝુકી જુલાઈ ૨૦૦૩માં લિસ્ટેડ થયા પછી પ્રથમવાર રૂ.૨૬૮.૩ કરોડની ખોટ કરી હતી. ગત્ વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ.૧,૩૭૬.૮ કરોડનો કોન્સોલિડેટેડ નફો કર્યો હતો. કંપનીનું ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ ઘટીને રૂ.૩,૬૭૯ કરોડનું થયું હતું જે ગત્ વર્ષના સમાન ગાળામાં રૂ.૧૮,૭૩૮.૮ કરોડ હતું. કંપનીએ સ્ટેન્ડએલોન ધોરણે પણ પ્રથમવાર રૂ.૨૪૯.૪ કરોડની ખોટ નોંધાવી હતી જયારે ગત્ વર્ષના સમાન ગાળામાં રૂ.૧,૪૩૫.૫ કરોડનો નફો કર્યો હતો.

         કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૭૬,૫૯૯ યુનિટ વાહનોનું વેચાણ કર્યું હતું. આમાંથી ૬૭,૦૨૭ વાહનો સ્થાનિકમાં વેચાયા હતા તો ૯,૫૭૨ વાહનોની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં વાહનોનું વેચાણ ૪,૦૨,૫૯૪ યુનિટનું થયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ને કારણે પુરો થયેલો ત્રિમાસિક ગાળો અસાધારણ રહ્યો હતો. સરકાર દ્વારા લોકડાઉન અમલી કરવામાં આવતા કંપનીના ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ગાળામાં મોટા ભાગના હિસ્સામાં ઝીરો ઉત્પાદનની અને ઝીરો વેચાણની સ્થિતિ રહી હતી. મે મહિનામાં નીચા સ્તરે ઉત્પાદન શરૂ થયું હતું. કંપનીએ ઉત્પાદન અને વેચાણ કરતાં સૌથી પહેલાં લોકોની સુરક્ષા અને તંદુરસ્તી પર વધુ ધ્યાન આપ્યું હતું. શેરનો ભાવ ૧.૬ ટકા ઘટીને રૂ.૬,૧૮૬ રહ્યો હતો.

(12:00 am IST)