Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત, સ્થાપક ટ્રસ્ટી બનશે સુન્ની વકફ બોર્ડ

પાંચ એકર જમીન પર મસ્જિદ, ઈન્ડો-ઇસ્લામિક રિસર્ચ સેન્ટર, લાઇબ્રેરી અને હોસ્પિટલના નિર્માણ માટે બોર્ડે 'ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન' નામના ટ્રસ્ટની સ્થાપના કરી છે

લખનૌ,તા.૩૦ : ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યામાં ફાળવેલ જમીન પર મસ્જિદ બનાવવાની ટ્રસ્ટની જાહેરાત કરી હતી. બોર્ડના અધ્યક્ષ ઝુફર અહમદ ફારૂકીએ જણાવ્યું હતું કે અયોધ્યાના ધનીપુર ગામમાં ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન પર મસ્જિદ, ઈન્ડો-ઇસ્લામિક રિસર્ચ સેન્ટર, લાઇબ્રેરી અને હોસ્પિટલના નિર્માણ માટે બોર્ડે 'ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન' નામના ટ્રસ્ટની સ્થાપના કરી છે.  તેમણે જણાવ્યું કે આ ટ્રસ્ટમાં કુલ નવ સભ્યો છે. બાકીના છ સભ્યોના નામનો નિર્ણય પછી કરવામાં આવશે. નવા સભ્યો હાલના સભ્યોની પરસ્પર સંમતિથી નિર્ણય લેશે. બોર્ડ પોતે જ તેના સ્થાપક ટ્રસ્ટી હશે અને બોર્ડના ચીફ એકિઝકયુટિવ ઓફિસર તેના એકિઝકયુટિવ પ્રતિનિધિ રહેશે.

ફારૂકીએ કહ્યું કે તે પોતે આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને અધ્યક્ષ બનશે. આ ઉપરાંત ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે અદનાન ફરરૂખ શાહ, સેક્રેટરી તરીકે અથર હુસેન અને ફૈઝ આફતાબ ખજાનચી હશે, જયારે મોહમ્મદ જુનાદ સિદ્દીકી, શેખ સઉદ્દુઝમાન, મોહમ્મદ રશીદ અને ઇમરાન અહેમદ સભ્ય હશે. સેક્રેટરીને ટ્રસ્ટનો સત્તાવાર પ્રવકતા પણ બનાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે  નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ / બાબરી મસ્જિદ મામલામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, વિવાદિત સ્થળે રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો અને મુસ્લિમોને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યાના એક અગ્રણી સ્થળે પાંચ એકર જમીન આપી હતી. આના પાલનમાં સુન્ની વકફ બોર્ડને ફેબ્રુઆરીમાં અયોધ્યા જિલ્લાના સોહવાલ તહસીલના ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન આપવામાં આવી હતી.

આ મામલામાં સુન્ની વકફ બોર્ડ મુખ્ય મુસ્લિમ પક્ષ હતો. વકફ બોર્ડે તે જમીનમાં મસ્જિદની સાથે ઈન્ડો-ઇસ્લામિક રિસર્ચ સેન્ટર, હોસ્પિટલ અને લાઇબ્રેરી બનાવવાની જાહેરાત કરી હતી. આ તમામ બાંધકામ કેવી રીતે થશે તેના પર નિર્ણય લેવા આ ટ્રસ્ટની રચના કરવાની હતી.

(9:56 am IST)