Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરનારી દીકરીને સગા બાપે જ 'ફિટ'કરાવી દીધી!

હિન્દુ યુવતીએ પરિવારની ઈચ્છા વિરુદ્ઘ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરી લીધા, ગુસ્સે ભરાયેલા બાપે લીધો આ રીતે બદલો!

 પુણે,તા.૩૦ : પુત્રીએ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરતા પિતાએ તેના પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. જોકે, જયુડિશિયલ મેજિસ્ટ્રેટે મંગળવારે ૧૯ વર્ષીય યુવતીના જામીન મંજૂર કરી દીધા છે. યુવતીએ કહ્યું હતું તેણે અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કર્યા હોવાના કારણે તેના પિતાએ તેના પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો છે.

 

ચિંચવાડ પોલીસે ભાગ્યશ્રી પરિહારની સોમવારે ધરપકડ કરી હતી કેમ કે તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રી ઘરમાંથી દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગઈ છે અને પોતાના સહઅધ્યાયી આમિર શેખ સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ આગોતરા જામીન અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. જોકે, મંગળવારે જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેની સુનાવણી થઈ હતી અને તેને જામીન મળી ગયા હતા.

યુવતીના પરિવારજનોએ તેને આમિર શેખ સાથે લગ્ન કરવાની મંજૂરી આપી ન હતી તેથી યુવતી ઘરમાંથી ભાગી ગઈ હતી અને ૨૦ જૂલાઈએ લગ્ન કરી લીધા હતા. યુવતીના પિતા ગણેશ પરિહારે ચિંચવાડ પોલીસ સ્ટેશનમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ૨૪ જૂલાઈએ આ કપલ સામેથી પોલીસ સ્ટેશનમાં હજાર થઈ ગયા હતા અને પોલીસે યુવતીના માતા-પિતાને બોલાવ્યા હતા. યુવતીએ તેમને કહ્યું હતું કે તેણે લગ્ન કરી લીધા છે અને હવે તે તેના પાર્ટનર સાથે જ રહેશે.

૨૬ જૂલાઈએ ગણેશ પરિહાર ફરીથી પોલીસ સ્ટેશન આ્યા હતા અને પોતાની પુત્રી વિરુદ્ઘ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ૨૪ જૂલાઈએ જયારે તેમણે પોતાની પુત્રીને પોલીસ સ્ટેશને જોઈ હતી ત્યારે તેમણે જોયું હતું કે તેણે જે દાગીના પહેર્યા હતા તે તેમના જ હતા અને ત્યારે તેમને લાગ્યું કે તે દાગીના લઈને જતી રહી છે. તેણે ઘરે આવીને તિજોરીમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ભાગ્યશ્રી ૩.૯૫ લાખના દાગીના અને રોકડ લઈને જતી રહી છે.

આ એફઆઈઆરના આધારે ચિંચવાડ પોલીસે સોમવારે ભાગ્યશ્રીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં હાજર કરી હતી. જોકે, પોલીસ આ કેસમાં તેમનું સબમિશન રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી અને યુવતીને યરવડા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી હતી. યુવતીના વકીલે જામીન અરજી કરી હતી ત્યારે પોલીસે તેની સામે લડત આપી હતી અને કહ્યું હતું કે તેમને યુવતી પાસેથી રોકડ અને દાગીના પાછા મેળવવાની જરૂર છે. જોકે, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેણે કોઈ ચોરી કરી નથી અને તેણે આમિર શેખ સાથે લગ્ન કર્યા અને ઈસ્લામ અંગીકાર કર્યો તેના કારણે તેના પિતાએ ખોટી ફરિયાદ દાખલ કરી છે.

ભાગ્યશ્રીના વકીલ શ્રીક્રિષ્ના ગુગેએ જણાવ્યું હતું કે કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. તેણે પોતાના પિતાના દ્યરેથી ચોરી કરી ન હતી. આ એફઆઈઆર ફકત તેને હેરાન કરવા માટે જ નોંધાવવામાં આવી હતી કેમ કે તેના પિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રી ઘરે પરત ફરે અને તેઓ આ લગ્નને મંજૂરી આપવા ઈચ્છતા ન હતા. જોકે, યુવતી પુખ્તવયની હતી અને પોતાની મરજીથી લગ્ન કરવા માટે મુકત હતી.

(9:59 am IST)