Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મુંબઇમાં જુલાઇમાં વરસાદ : ૭૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

૨ જુલાઈને બાદ કરતાં આ મહિને લગભગ રોજ વરસાદે હાજરી પુરાવી છે

મુંબઈ,તા.૩૦ : એક સારા સમાચાર મુજબ શહેરમાં છેલ્લાં ૭૬ વર્ષમાં જુલાઈ મહિનામાં આ વર્ષે સૌથી વધુ વરસાદની નોંધ થઈ છે. તેમ છતાં કેચમેન્ટ એરિયામાં વરસાદે નારાજગી દાખવી હોય તેમ જળાશયોમાં પાણીની આવક ગયા વર્ષ કરતાં દ્યણી ઓછી છે. માત્ર મંગળવારે જ સવારે આઠથી રાતે આઠ વાગ્યા દરમિયાન દક્ષિણ મુંબઈમાં નોંધપાત્ર ૮૭.૬ મિલિમીટર વરસાદ વરસ્યો હોવાનું પાલિકાના આંકડા દર્શાવે છે.

આ વર્ષે ૧ જુલાઈથી ૨૮ જુલાઈની રાતે સાડાઆઠ વાગ્યા સુધીમાં શહેરમાં ૧,૪૭૪.૪ મિમી વરસાદની નોંધ થઈ છે, જે છેલ્લાં ૭૬ વર્ષમાં સૌથી વધુ હોવાનું દર્શાવે છે. અગાઉ આ સમયગાળામાં સૌથી વધુ વરસાદની નોંધ ૨૦૧૪માં ૧,૪૬૮.૭ મિમી જેટલી થઈ હતી.

સાંતાક્રુઝ વેધશાળાની સ્થાપના થયા બાદ ઈન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) ૧૯૪૪થી વરસાદના ડેટા જાળવે છે. આંકડા જોતાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદની નોંધ જુલાઈ, ૨૦૦૫માં ૯૪૪.૨ મિમી થઈ હતી. એ દિવસે શહેરમાં પૂર આવ્યા હતા અને કદાચ વર્ષો બાદ મુંબઈગરાઓએ રસ્તાઓ પર પાણીનું રૌદ્ર સ્વરૂપ જોયું હતું. એ વર્ષે જુલાઈ મહિનામાં ૧,૪૫૪.૫ મિમી વરસાદ વરસ્યો હતો.

પાલિકા અનુસાર ગયા વર્ષે જુલાઈ મહિનામાં શહેરમાં સૌથી વધુ ૧,૪૬૪.૮ મિમી વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ આ મહિનામાં સૌથી વધુ વરસાદની નોંધ ૧૯૬૫માં (૧,૪૫૫.૫ મિમી), ૧૯૬૧માં (૧,૩૮૫.૫ મિમી), ૨૦૧૧માં (૧,૩૧૨.૯ મિમી), ૨૦૧૦માં (૧,૨૫૦.૪ મિમી) અને ૧૯૮૮માં (૧,૨૨૬.૧ મિમી) થઈ હતી.

આ મહિને મુંબઈમાં આઠ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસતાં ૭૫.૫ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ૨ જુલાઈને બાદ કરતાં આ મહિને લગભગ રોજ વરસાદે હાજરી પુરાવી છે. એમાંય પાંચ દિવસ તો અતિભારે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ૪ જુલાઈથી પ જુલાઈના રોજ વરસ્યો હતો.

(9:59 am IST)