Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોરોના સામેનો જંગ જીતી જશે ભારત

દેશમાં ૧૫૦ દિવસમાં ૧૦ લાખથી વધુ કોરોનાના દર્દીઓ સાજા થયા : મૃત્યુદર પણ ઘટીને ૨.૨૩ ટકાઃ દિલ્હી-મહારાષ્ટ્ર-તામિલનાડુમાંથી જ ૫૩ ટકા રિકવરી : આક્રમક તપાસ, આબાદ રણનિતી અને યોગ્ય મેનેજમેન્ટથી ૬ દિ'થી રોજ ૩૦,૦૦૦ લોકો સાજા થઇ રહ્યા છે

નવી દિલ્હી,તા.૩૦ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દહેશત છે. એ દરમ્યાન ભારત માટે એક રાહતના સમાચાર છે. ગઇકાલે જ ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૦ લાખને પાર કરી ગઇ હતી. એટલું જ નહિ દેશમાં કોરોનાથી મૃત્યુદર ૨.૨૩ ટકા થઇ ગયો છે. ૧લી એપ્રિલ બાદ પહેલીવાર આટલા ન્યુનતમ સ્તરનો દર નોધાયો છે. ભારતમાં જે ઝડપથી કોરોના વાયરસ પગ પ્રસરી રહ્યો છે તેવી સ્થિતીમાં રિકવર થનારા દર્દીઓની આ સંખ્યા ઘણી આશ્ચર્ય જગાડે તેવી છે. રિકવર થયેલ અને એકટીવ કેસ વચ્ચે જણાતો ગેપ આશાનું કિરણ દર્શાવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોના મૃત્યુદર CCFR વૈશ્વિક CFRના મુકાબલે ઘણો ઓછો છે. ૧૯ જુને તે ૩.૩ ટકા હતો જે બુધવારે ઘટીને ૨.૨૩ ટકા થયો. પ્રભાવી રણનિતી, આક્રમક તપાસ અને યોગ્ય મેનેજમેન્ટ ને પગલે ૬ દિવસથી રોજ ૩૦,૦૦૦ લોકો સાજા થઇ રહ્યા છે. દેશમાં ૬૪.૪ ટકા દર્દી સાજા થયા છે. વૈશ્વિક સરેરાશ ૬૧.૯ % થી વધુ છે. દિલ્હીમાં રિકવરી રેટ ૮૯ ટકા છે. મહારાષ્ટ્રમાં ૨,૩૯,૭૫૫ દર્દી તો તામિલનાડુમાં ૧૭૨૮૮૩ દર્દી સાજા થયા છે. આ ત્રણ રાજ્યોમાં જ ૫૩ ટકા રીકવરી રેટ છે.

કોરોના વાયરસ સામે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. ભારતમાં ૧૦ લાખ લોકોએ આ મહામારી સામે જંગ જીતી લીધો છે. ભારતમાં અત્યાર સુધી લગભગ ૧૫.૬૭ લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે. જેમાં ૧૦ લાખ લોકોનું સ્વસ્થ થવું રાહતભર્યા સમાચાર છે. દેશમાં કોરોનાના હાલ ૫.૨૫ લાખ એકિટવ કેસ છે.

 દુનિયામાં અત્યાર સુધી ૧.૭૦ કરોડ લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂકયા છે. જેમાં ૧.૦૫ કરોડ લોકો બીમારીમાંથી રિકવર થઈ ગયા છે. આમ દુનિયાનો એવરેજ રિકવરી રેટ ૬૨%ની નજીક છે. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ દુનિયાના એવરેજથી સારો છે. કોવિડ-૧૯ ઇન્ડિયાના મતે ભારતમાં બુધવારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના કુલ ૧૫.૬૭ લાખ કેસ હતા. જેમાં ૧૦.૦૭ લાખ લોકો કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયા છે.

 દેશની વાત કરવામાં આવે તો દિલ્હી સહિત કેટલાક રાજયોમાં રિકવરી રેટ દ્યણો સારો છે.  દિલ્હીમાં ૧.૩૩ લાખ સંક્રમિતોમાંથી ૧.૧૮ લાખ લોકો ફરી સ્વસ્થ થઈ ગયા છે. દિલ્હીમાં રિકવરી રેટ ૮૯% છે. જોકે બધા રાજયોની સ્થિતિ આવી નથી. દેશમાં હાલના સમયે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં એક લાખ કે તેનાથી વધારે કેસ છે. જેમાં કર્ણાટક (૪૪%)અને આંધ્ર પ્રદેશમાં (૪૬%)માં ૫૦%થી પણ ઓછો રિકવરી રેટ છે. મહારાષ્ટ્રમાં ૫૯%અને તમિલનાડુમાં ૭૩% રિકવરી રેટ છે.

 અમેરિકામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. અહીં લગભગ ૨૨ લાખ લોકો આ મહામારીને હરાવી સ્વસ્થ થયા છે. અહીં રિકવરી રેટ ૫૦% થી ઓછા છે. બીજી તરફ કતારમાં ૯૭% ચિલીમાં ૯૨% અને રશિયામાં ૭૩% રિકવરી રેટ છે.

(10:50 am IST)