Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાફેલનું સ્વાગત છે, પરંતુ ૫૨૬ કરોડનું રાફેલ ૧૬૭૦ કરોડમાં શા માટે? : ૧૨૬ ના બદલે ૩૬ વિમાન જ કેમ? કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી તા. ૩૦ : ફ્રાન્સથી ભારતને મળેલ લડાકુ વિમાન રાફેલને લઇને કોંગ્રેસે સરકાર સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. પક્ષ નેતા રણદીપ સુરજેવાલાએ એક ટવીટ કરીને સરકારને પ પ્રશ્નો પુછયા છે. જો કે સુરજેવાલાએ રાફેલને લઇને વાયુસેનાના જાંબાઝોને શુભેચ્છા પાઠવી છે. પણ સરકારને સવાલો કર્યા છે જે વર્ષોથી કોંગ્રેસ પુછતી આવી છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યુ છે કે ભારતમાં રાફેલનું સ્વાગત છે. વાયુસેનાના જાંબાઝ લડાકુઓને પણ શુભેચ્છા. આજે દરેક દેશભકત જરૂર પુછે કે (૧) પર૬ કરોડના રાફેલ હવે ૧૬૭૦ કરોડમાં શામ માટે? (ર) ૧૨૬ રાફેલની જગ્યાએ ૩૬ જ કેમ? (૩) મેક ઇન ઇન્ડિયાની જગ્યાએ મેક ઇન ફ્રાન્સ કેમ? (૪) પ વર્ષ સુધીનો વિલંબ કેમ?

આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અધિકારીઓએ ટવીટર હેન્ડલથી ટવીટ કરી રાફેલ જેટસને લઇને એર ફોર્સને ખુબ શુભેચ્છાઓ પાઠવી કહ્યુ છે કે રાફેલ સોદા માટે ૨૦૧૨ માં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી મહેનત આખરે રંગ લાવી છે. આ સમજુતી સફળ પુરવાર થઇ. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ લગાવતા જણાવ્યુ કે કોંગ્રે અને ભાજપની ડીલમાં ખુબ મોટુ અંતર છે. જેમાં ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે.

કોંગ્રેસ પાર્ટીએ ટવીટમાં લખ્યુ છે કે 'કોંગ્રેસની ડીલમાં દેશને ૧૨૬ જેટ્સ મળવાના હતા. જયારે ભાજપના સોદામાં ૩૬ મળ્યા. દેશમાં મેડ ઇન ઇન્ડિયાની જેમ ૧૦૮ રાફેલ જેટ બનાવવાના હતા. કોંગ્રેસના સોદા મુજબ વર્ષ ૨૦૧૬ સુધીમાં ભારતને રાફેલ મળી જવાના હતા. વળી દરેક જેટની કિંમત ૫૨૬ કરોડ નકિક કરવામાં આવી હતી.આ પહેલા કોંગ્રેસના નેતા દિગ્વીજયસિંહે પણ રાફેલને લઇ સરકાર પર નિશાન તાકયા હતા. તેમણે ટવીટ કરેલ કે 'આખરે રાફેલ ફાઇટર પ્લેન આવી ગયા. ૧૨૬ રાફેલ ખરીદવા કોંગ્રેના નેતૃત્વમાં યુપીએ એ ૨૦૧૨ માં નિર્ણય લીધો હતો અને ૧૮ રાફેલ છોડી બાકી ભારત સરકારના સ્થાનિક ધોરણે નિર્માણની વાત હતી. આ ભારતમાં આત્મનિર્ભર હોવાનું પ્રમાણ હતુ. એક રાફેલની કિંમત ૭૪૬ કરોડ નકકી કરાઇ હતી'.દિગ્વીજયસિંહે કહેલ કે 'મોદી સરકાર આવ્યા પછી ફ્રાન્સ સાથે મોદીજીએ વગર સુરક્ષાએ નાણામંત્રી અને કેબીનેટ કમીટીની મંજુરીથી નવા કરારો કરી નાખ્યા. અને સ્થાનીકના બદલે કામ નીજી કંપનીઓને આપવાનું નકકી કરી નાખ્યુ. રાષ્ટ્રીય સુરક્ષાની અનદેખી કરીને ૧૨૬ રાફેલ ખરીદવાને બદલે માત્ર ૩૬ રાફેલ ખરીદાયા.

(11:34 am IST)