Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, ઓડીસ્સા અને તામિલનાડુ સિવાય દેશભરમાં ચોમાસુ સક્રિય

મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક ભાગો, ઓરીસ્સા, છત્તીસગઢમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડોઃ દિલ્હી, મુંબઈ, હરિયાણા, પંજાબ, ઉત્તર - પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યુ.પી. બિહારમાં વ્યાપક વરસાદ પડશે : સ્કાયમેટઃ વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, ઓરીસ્સા, તામિલનાડુ, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના નહિવત છે

નવી દિલ્હી, તા. ૩૦ : વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, ઓડીસ્સા અને તામિલનાડુ સિવાય દેશભરમાં આગામી બે - ત્રણ દિવસ નૈઋત્યનું ચોમાસુ સક્રિય રહેશે. દિલ્હી, મુંબઈ, હરિયાણા, પંજાબ, ઉત્તર - પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યુ.પી. અને બિહારમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

નૈઋત્ય ચોમાસાનો બીજો મહિનો પૂર્ણ થવામાં હવે એક દિવસ બાકી છે. દેશભરમાં સામાન્યથી એક દિવસ બાકી છે. દેશભરમાં સામાન્યથી એક ટકા વધુ વરસાદ નોંધાયો છે. જુલાઈની ૧૫ તારીખ સુધી મધ્ય ભારતમાં સામાન્યથી ૧૫ ટકા વધુ નોંધાયેલ. વરસાદનું પ્રમાણ ઘટતા હવે સામાન્યથી બે ટકાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક ભાગો, ઓરીસ્સા, છત્તીસગઢમાં વરસાદનું પ્રમાણ ઘટ્યુ છે.

જયારે ઉત્તર ભારતમાં વરસાદમાં સામાન્યથી ૨૦ ટકા ઓછો વરસાદ પડ્યો છે. ઉત્તરાખંડ, યુ.પી., હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખમાં અત્યાર સુધી નોંધપાત્ર વરસ્યો નથી. પરંતુ હવે ચોમાસુ દેશના અનેક રાજયોમાં ફરીથી સક્રિય બન્યુ છે. (અમુક વિસ્તારોને છોડીને) આગામી બે દિવસ વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, ઓરીસ્સા, તામિલનાડુ તેમજ પશ્ચિમી રાજસ્થાન અને ગુજરાતના કચ્છ જિલ્લામાં વરસાદની શકયતા નહિવત છે.  આ ભાગો સિવાય દેશના તમામ ભાગોમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય રહેશે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, કોલકતામાં આગામી બે - ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દિલ્હી અને મુંબઇમાં આગામી બે દિવસ ભારે વરસાદનું અનુમાન છે.

દેશના ઉત્તર ભારતના હરિયાણા, પંજાબ, ઉત્તર અને પૂર્વ રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં સારો વરસાદ પડશે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યુ.પી.થી બિહાર સુધી બે - ત્રણ દિવસ વ્યાપક વરસાદ પડશે.

જયારે મધ્ય ભારતમાં સંતુલિત વરસાદના પગલે લોકોને રાહત મળશે. મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં સૌથી વધુ વરસાદ પડે છે. આ વખતે સામાન્યથી ૫૦ ટકા વધુ વરસાદ થયો છે. પરંતુ કોંકણ, ગોવામાં થોડો ઓછો પડ્યો છે. જે આગામી દિવસોમાં ખાદ્ય પુરી થઈ જશે.

કર્ણાટકમાં પણ વ્યાપક વરસાદ પડી શકે છે. જયારે કેરળમાં આ વર્ષે ધારણા કરતા ઓછો પડ્યો છે. પણ છેલ્લા બે દિવસથી ચોમાસુ સક્રિય બન્યુ છે અને ભારે વરસાદ નોંધાયો છે. આજે અને આવતીકાલે પણ વરસાદી એકટીવીટી ચાલુ રહેશે. જયારે તામિલનાડુમાં શકયતા ઓછી છે. અંદામાન નિકોબારમાં હળવાથી મધ્યમ અને લક્ષદ્વીપમાં અમુક ભાગોમાં ભારે વરસાદ સંભવ છે.

(11:37 am IST)