Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

નવી શિક્ષણ નીતિમાં જ્ઞાન - વિજ્ઞાન - બુદ્ધિ કૌશલ્ય કેન્દ્ર સ્થાને

વિદ્યાર્થીઓની રૂચીને જાણી શકાશે : ફીનું માળખુ રચાશે : સાડા ત્રણ દાયકા બાદ દેશમાં શિક્ષણ નીતિમાં આમુલ ફેરફાર : પ્રવેશ માટે દેશભરમાં એક જ પ્રવેશ પરીક્ષા

નવી દિલ્હી, તા. ૩૦ : નવી શિક્ષણનીતિમાં આમુલ પરિવર્તન કરીને મુખ્ય કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓનું જ્ઞાન - વિજ્ઞાન અને બુદ્ધિ કૌશલ્ય રાખવામાં આવ્યુ છે. દેશભરમાં નવી શિક્ષણનીતિ દાખલ કરવામાં આવી છે. શિક્ષણ વ્યવસ્થાને ૨૧મી સદીની જરૂરીયાત પર આગળ ધપાવી છે. કેન્દ્ર સરકાર આ વર્ષે જ અમલ કરાવવા આગળ વધી રહી છે.

દેશમાં શિક્ષણને નવી દિશા આપવા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે કેબીનેટની બેઠકમાં નવી શિક્ષણનીતિને મંજૂરી આપી છે. પાઠય પુસ્તકના આધારે સીમીત રાખી છે. જ્ઞાનપુરક વસ્તુ અને કૌશલ્યને પણ જોડવામાં આવે છે.

દેશની નવી શિક્ષણ નીતિ બાદ શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણમાં પણ પરિવર્તન આવશે.  જેમાં શાળાઓના બંધારણ અને નીતિમાં નવુ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. આ નીતિમાં હવે પ્રિ-પ્રાયમરી શિક્ષણને પણ જોડવામાં આવ્યુ છે. તેની સાથોસાથ પાઠ્યપુસ્તકમાં પણ ફેરફારનો નિર્દેશ આપ્યો છે. તેના માટે હાલ એનસીઈઆરટી કામ કરી રહી છે. આ સાથે શાળાની બહાર બે કરોડ બાળકોને પણ ફરીથી શાળાઓમાં જોડાશે. જેમાં ધો.૧૦-૧૨ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ સામેલ થશે.

નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થાય તે રીતે તાલીમ આપવામાં આવશે. જેની વિદ્યાર્થીઓની અભિરૂચી જાણી શકાય.

ઉચ્ચ શિક્ષણનો અલગ અલગ વિભાગને એક નિયામકની હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

નવી શિક્ષણ નીતિમાં ફી વિષયને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. જેમાં કઈ સંસ્થા કયા કોર્ષની કેટલી ફી રાખશે તેના માપદંડ નક્કી થશે. વધુમાં વધુ ફીનું માળખુ પણ તૈયાર અને આ પરિપ્રેક્ષ્યમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં પણ નિયમો લાગુ કરશે. ફીનું માળખુ નિયત કરીને દરેક છાત્ર શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ જોવામાં આવી છે.

નવી શિક્ષણનીતિમાં ૫ વર્ષ પૂર્વ પ્રાથમિક, ૩ વર્ષ પ્રાથમિક અને ૩ વર્ષ ઉચ્ચ પ્રાથમિકના તેમજ ૪ વર્ષ માધ્યમિક,  ઉચ્ચતર માધ્યમિકના ગણાશે. ધો.૫ સુધી માતૃભાષા - સ્થાનિક ભાષામાં જ શિક્ષણ અપાશે. હાલનું શિક્ષણનું માળખુ ૧૦+૨ છે. તેને બદલીને ૫+૩+૩+૪ કરવામાં આવ્યુ છે. પ્રથમ ૫ વર્ષમાં નર્સરીથી ધો.૨, બીજા ત્રણ વર્ષમાં ધો. ૩ થી ૫ ત્યારબાદના ત્રણ વર્ષમાં ધો.૬ થી ૮ અને છેલ્લા ૪ વર્ષમાં ધો. ૯ થી ૧૨નો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં ફેરફાર આવશે.

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે પણ બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે.

નવી શિક્ષણનીતિમાં વિશ્વના વિદેશી કોલેજોને પણ છુટ અપાશે. ટોચના ૧૦૦ વિદેશી કોલેજોને ભારતમાં કોલેજ કેમ્પસ ખોલવાની છૂટ આપવામાં આવશે. તેના માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ઉચ્ચ શિક્ષણ માટે એક જ પ્રવેશ પરીક્ષા

ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ પ્રવેશ માટે સંયુકત પ્રવેશ પરીક્ષા રાખવામાં આવશે.

કેમેસ્ટ્રી મેથ્સની સાથે ફેશન ડીઝાઈનીંગ વિષય

વર્તમાન શિક્ષણ નીતિ મુજબ ફીઝીકસની સાથે કેમેસ્ટ્રી - મેથ્સનું શિક્ષણ લેવામાં આવતુ. જયારે આ વિષયોની સાથે હવે ફેશન ડિઝાઈનીંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કેમેસ્ટ્રી અને મેથ્સની સાથે ફેશન ડીઝાઈનીંગ પણ અભ્યાસમાં જોડાશે.

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં નવી પદ્ધતિ આવશે

બોર્ડની પરીક્ષામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત બદલાવ આવશે. સીબીએસઈમાં ગણિત વિષયની જેમ દરેક વિષય બે ભાષામાં અભ્યાસ કરાવાશે. રાજયના બોર્ડની પરીક્ષામાં જ્ઞાન અને પ્રયોગ તપાસવાના આધારે ગોખણપટ્ટીની ક્ષમતા પર નહી. દરેક વિષયોમાં વસ્તુ અને વિવરણ બંને જોગવાઈ રાખવામાં આવશે.

(12:45 pm IST)