Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજસ્થાનમાં વિધાનસભા સત્રને લઈને ગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચે મતભેદ

અશોક ગેહલોત 31મીએ સત્ર બોલાવવા મક્કમ : રાજ્યપાલ કહે છે 21 દિવસની નોટીસ જરૂરી

જયપુર : રાજસ્થાનમાં રાજકીય ધમાસણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યપાલ કલરાજ મિશ્રા વચ્ચે મતભેદ સર્જાયા છે  રાજ્યપાલ દ્વારા રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાની કેબિનેટની સલાહ સતત અવગણી રહ્યાં છે  રાજ્યપાલે મુખ્યમંત્રીને આપેલા જવાબમાં વિધાનસભા નહીં બોલાવવા માટે કોરોના વાઇરસને કારણ ગણાવ્યું અને ભારપૂર્વક કહ્યું કે સત્ર બોલાવવા માટે તેમને 21 દિવસની નોટિસ જરૂરી પડશે. જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત 31 જુલાઇથી વિધાનસભા સત્ર બોલાવવા મક્કમ છે.

રાજ્યપાલ કલરાજ મિશ્રને લાગે છે કે જ્યારે શાસક પક્ષે બહુમતી ગુમાવવા જેવી રાજકીય કટોકટી ઊભી થાય ત્યારે વિધાનસભાનું ઇમરજન્સી સત્ર બોલાવી શકાય. આવી સ્થિતિમાં શાસક પક્ષે બહુમતી ગુમાવી છે અને સરકારનું ભાવિ નક્કી કરવા ફ્લોર ટેસ્ટ જરૂરી હોવાનું સાબિત કરવા વિપક્ષ વિધાનસભા સત્ર બોલાવવા માંગણી કરે.

જ્યારે શાસક પક્ષના સંખ્યાબળ અંગે સવાલ ઉઠાવવાની માગણી થઇ હોવાના મોટાભાગના કિસ્સાઓમાં પાછળથી શાસક પક્ષ વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની સ્થિતિમાં નથી અને હાર સ્વીકારી હોવાનું જોવા મળ્યું છે.

પરંતુ રાજસ્થાનના કેસમાં વિપક્ષે કોઇ માંગણી કરી નથી અને શાસક પક્ષે  રાજ્યપાલને મોકલેલા પત્રમાં બહુમતી પુરવાર કરવાની ઇચ્છા જણાવી નથી. ગેહલોત સરકારે માત્ર એટલું કહ્યું છે કે તે કોરોનાની સ્થિતિ અંગે વિધાનસભાને જાણ કરવા અને કેટલાક મહત્વના બિલો ટેબલ પર લાવવા માગે છે.

રાજ્યપાલે ગેહલોત સરકારને લેખિતમાં 21 દિવસની નોટિસ જરુરી હોવાનું ફરીથી જણાવ્યું છે. ત્યારે સરકારે તે પણ નિર્ધારિત કરવું જોઈએ કે તે ફ્લોર ટેસ્ટ માટેની તકનો ઉપયોગ કરવા ઇચ્છુક છે કે નહીં. રાજ્યપાલની સરકાર પાસે એ જાણવાની જિજ્ઞાસા છે કે ક્યા મુદ્દાની ચર્ચા થવી જોઇએ, તે કાયદા હેઠળ સ્પીકર નક્કી કરે છે. તેથી ગૃહની અંદર સ્પીકરના કાર્યક્ષેત્રમાં આવતા ધારાસભાકીય કામ સંબંધિત મુદ્દાનો સમાવેશ કર્યા વિના સરકાર ફલોર ટેસ્ટ કરાવશે?

ફ્લોર ટેસ્ટ કરાવવાનો મુદ્દો પણ સભાપતિ હોવાને લીધે સ્પીકર દ્વારા નક્કી કરવાનો હોય છે. ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા ફલોર ટેસ્ટની માગ કરી શકે અને શાસક પક્ષ વિશ્વાસ પ્રસ્તાવથી ફ્લોર ટેસ્ટ કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી શકે છે. રાજ્યપાલ ગૃહ કેવી રીતે ચલાવવું અને ક્યા મુદ્દાની ચર્ચા કરવી તે કહી શકે નહીં.

છતાં અહીં રાજ્યપાલ શાસક પક્ષ સત્તા માટે ફ્લોર ટેસ્ટ કરવા તૈયાર છે કે નહીં તે જાણવા પર ભાર મૂકી રહ્યા છે. આવું દેશના ધારાસભાના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી.
ખરેખર તો શાસક પક્ષના સભ્યો રાજભવનમાં ધસી આવ્યા અને ધરણા કર્યા ઉપરાંત મુખ્યમંત્રીએ જો લોકો ગુસ્સે થઈને રાજભવનને ઘેરો કરશે તો તેમની સરકાર જવાબદાર રહેશે નહીંની આપેલી ચેતવણીથી રાજ્યપાલ ખિજાયેલા છે. મુખ્યમંત્રીના આવા સખત નિવેદનથી રાજ્યપાલને અનેક મુદ્દા ઉઠાવવાનું કારણ મળી ગયું.

સીએમ અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં રાજ્યપાલ વિરુદ્ધ કરેલી ફરિયાદથી પણ કલરાજ મિશ્ર નારાજ છે. ઉપરાંત પીએમ તે પત્ર વાંચે અને તેમને જવાબ આપે તે પહેલાં આ પત્ર અંગે મીડિયાને જાણ કરવાથી પણ તેઓ ખફા છે.

નોંધનીય છે કે રાજ્યપાલ વિધાનસભા બોલાવવા રાજી નથી, તેવો સંકેત મળી જતાં ગેહલોતે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. તેમજ પાછળથી કોંગ્રેસ વિધાનસભા પક્ષે પણ આ મુદ્દે રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલ્યું હતું. ત્યાર બાદ તુરત જ મુખ્યમંત્રી અને તેમના 97 ધારાસભ્યોએ રાજભવનમાં ધરણા કર્યા હતા. જેથી રાજ્યપાલે કોરોનાને નાથવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી હોવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિત સામે જોખમ હોવાનો આરોપ કરતો વચગાળાનો અહોવાલ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો.

મુખ્યમંત્રી ગેહલોત અગાઉ 27 જુલાઇથી વિધાનસભા સત્ર બોલાવવા માગતા હતા. પરંતુ હવે તેઓ 31 જુલાઇથી સત્ર બોલાવવા માગે છે.વિધાનસભા બોલાવવાનો તેમનો આગ્રહ ગૃહમાં ફ્લોર પર બહુમતી પુરવાર કરવાનો તેમનો વિશ્વાસ દર્શાવે છે. રસપ્રદ એ છે કે કોઇએ પણ સીએમ ગેહલોતને તેમની સરકારની બહુમતી પુરવાર કરવાનું કહ્યું નથી. એટલે સુધી કે સચિન પાઇલટનો બળવાખોર જૂથ અને વિપક્ષ ભાજપ પણ ગેહલોત સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાથી બચી રહ્યા છે.

મુખ્યમંત્રી ગેહલોત સચિન પાઇલટ અને તેમના જૂથમાં ડર ફેલાવવા વિધઆનસભાનું સત્ર યોજવા અંગે ભાર મૂકી રહ્યા છે. ઉપરાંત સિચન અણી મંડણીને પણ ગૃહનું સત્ર મળે તો ગેરલાયક ઠરવાનો ભય છે.  આનાથી એવી છાપ ઊભ થઇ છે કે ત્રણેય પાર્ટી કોંગ્રેસના ગેહલોતના ટેકેદારો, સચિન પાઇલટનું જુથ અને ભાજપને ખબર છે કે સરકાર આંકડાકીય રીતે બહુમતી ધરાવે છે.

રાજકીય પંડિતોને લાગે છે કે ગેહલોતને પોતાની સાથે રહોનારા સભ્યોની ખાતરી છે. આ ખાતરી થતાં જ સચિન અને તેમના ટેકેદાર ધારાસભ્યોને અંતિમ આંચકો આપવાનો ગેહલોતનો ખરો આશય છે. જ્યારે બળવાખોર ધારાસભ્યોએ તેમની સામેની પક્ષવિરોધી ગતિવિધિના તમામ આક્ષેપો ફગાવી દીધા છે અને જણાવ્યું છ કે તેમનું પગલું પક્ષની અંદરના અસંતોષને બહાર લાવવા માટે હતું. આને બળવાખોરો તરફથી કોંગ્રેસમાં પરત ફરવા માટે અંતિમ કોલ મનાય છે. તેથી સચિન પાઇલટ નબળા પડી જશે અને તેમના માટે પક્ષમાં પરત થવા કે ગેરલાયકાતનો સામનો કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેશે નહીં.

એડવોકેટ અભિનવ શર્માના જણાવ્યા મુજબ રાજ્યપાલ બંધારણની કલમ 174 હેઠળ વિધાનસભા સત્ર બોલાવે છે. સામાન્યપણે તેઓ રાજ્ય કેબિનેટને સલાહ અને સુચનને માનવા બંધાયેલા હોવાનો ઉલ્લેખ કલમ 163માં છે. પરંતુ કલમ 163 રાજ્યપાલને પોતાને યોગ્ય લાગે તે કરવાની સત્તા પણ આપે છે.

અદાલતોએ વારંવાર કહ્યુ છે કે,સરકાર બહુમતીમાં ન હોય તે સિવાય રાજ્યપાલ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી કેબિનેટની સહાય કરવા અને સલાહ માનવા બંધાયેલા છે.2016માં સુપ્રીમ કોર્ટે વિધાનસભા બોલાવવા, સ્થગિત કરવા કે ભંગ કરવા અંગેની કલમ 174 હેઠળ રાજયપાલને મળેલી સત્તાને તપાસી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે “રાજ્યપાલ પોતાની રીતે નહીં પણ, સીએમના નેતૃત્વવાળી કેબિનેટની સલાહ અને સુચનથી વિધાનસભા સત્ર બોલાવવા બંધાયેલા છે.”

રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર છાબડાના જણાવ્યા મુજબ અત્યારે એવી દલીલ થઇ રહી છે કે,રાજ્યપાલ મિશ્ર સામાન્ય સંજોગોમાં ગેહલોત સરકારની સલાહ માનવા બંધાયેલા હોત પરંતુ કોરોના મહામારીને કારણે અસામાન્ય સ્થિતિ સર્જાઇ છે. તેથી અસામાન્ય પરિસ્થિતિના સંજોગોમાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વિધાનસભા સત્ર યોજવા માટેની તાકીદ અંગે રાજ્યપાલ મિશ્ર પોતની રીતે સંતુષ્ટ થાય તે જરુરી છે.

 

નોંધનીય છે કે અત્યારે જો વિધાનસભા સત્ર યોજાય અને પાઇલટ જૂથ કોંગ્રેસના વ્હીપને અવગણે તો, બળવાખોર તમામ 19 ધારાસભ્ય ગેરલાયક ઠરે. જ્યારે ભાજપ પાસે 76 સભ્યો છે અને તમામ બળવાખોર ધારાસભ્યો તેની સાથે આવે તો પણ તે વિશ્વાસના મતમાં ગેહલોત સરકારને પાડવા માટે પુરતા નથી.

બીજુ 19 ધારાસભ્યોની ગેરલાયકાતથી ખાલી પડેલી બેઠકો પુરવા માટે પેટા ચૂંટણી યોજાય ત્યાં સુધી ગેહલોત સરકાર વધુ મજબૂત થઇ જશે. કારણ કે ગેરલાયકાતના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવે તો તે પ્રક્રિયા લાંબો સમય લઇ લેશે.

ત્રીજું સીએમ ગેહલોતને ઓછામાં ઓછા આગામી 6 મહિના સુધી બહુમતી પુરવાર કરવાની જરુર રહેશે નહીં. ઉપરાંત જો ભાજપને આ રાજકીય સંકટ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ખાતરી ન હોય તો ત્યાર બાદ પણ તે આમ કરવાની સ્થિતિમાં રહેશે નહીં.

વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરે કહ્યું કે વિધાનસભા સત્ર બોલાવવામાં અવરોધો ઊભા કરવાથી સંસદીય લોકશાહીનો મૂળભૂત પાયો નબળો પડશે. સાથે તેમણે આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દરમિયાનગીરી કરવા અનુરોધ કર્યો છે.

(3:03 pm IST)