Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોરોના સામે જબ્બર તૈયારી સાથે હજયાત્રાનો પ્રારંભ...

સાઉદી અરબીયાઃ હજયાત્રા-૨૦૨૦નો પ્રારંભ થયો છે. સાઉદી અરેબીયા સરકારે કહ્યું છે કે આ વર્ષે હજયાત્રા કરનારામાં કોઈપણને કોરોના પોઝીટીવ આવેલ નથી. સાઉદીના આસીસ્ટન્ટ હેલ્થ મીનીસ્ટર અને પ્રવકતા ડો.મોહમ્મદ અલ અબ્દુલલ્લાએ કહ્યું છે કે સાઉદી અરબના આરોગ્ય મંત્રાલયે આ પવિત્ર જગ્યાએ સંખ્યાબંધ આરોગ્ય સવલતો ઉભી કરી છે. જેમાં ૬ હોસ્પિટલો, ૫૧ કલીનીકો, ૨૦૦ અુેમ્બ્લયુલન્સ, ૬૨ ફીલ્ડ મેડીકલ ટીમ, ઉપરાંત ફિલ્ડ હોસ્પિટલ, મોબાઈલ કલીનીક, ૬ અતી આધુનિક સાધન સંપન્ન એમ્બ્યુલન્સ અને યાત્રાળુઓના  નિવાસોમાં ત્રણ કલીનીકોના સમાવેશ થાય છે.

આ વર્ષે હજયાત્રામાં ૨૦ થી ૫૦ વર્ષના બિલકુલ સ્વસ્થ સાઉદી અરેબીયામાં રહેતા મુસ્લિમોને જ સામેલ કરાયા છે. જેથી કોરોનાનો પ્રસાર ન થાય. સાઉદીમાં અત્યારે વસવાટ કરતા હોય તેવા જ (વિદેશી સહિત) લોકોનો આ એક હજારમાં સમાવેશ થાય છે.

તમામ ફિરકાના મુસ્લિમો જેને સૌથી વધુ પવિત્ર કાર્ય ગણે છે અને દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વાર જે કરવાનું જરૂરી ગણાયું છે એ હજયાત્રાને કોરોનાએ મુશ્કેલ બનાવી હોવાના અહેવાલ મળ્યા હતા. દર વર્ષે શિયા, સુન્ની, અહમદિયા, બહાઇ, દેવબંદ ઇત્યાદિ ઇસ્લામના તમામ ફિરકાના મુસ્લિમો હજ કરે છે. એક અંદાજ મુજબ વર્ષે પચીસ લાખ મુસ્લિમો હજ કરતા હોય છે. પરંતુ આ વરસે હજયાત્રા કોરોના વાઇરસના પગલે મુશ્કેલ બની હતી.

 આ સંદર્ભમાં લેટેસ્ટ માહિતી મુજબ સાઉદી અરેબિયાએ વિદેશી હજયાત્રીઓ પર પ્રતિબંધ લીધો છે. ૧૪ દિવસ કવોરન્ટાઇનમાં રહીને બુધવારે નાના નાના જૂથમાં માસ્ક પહેરેલા યાત્રીઓએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને હજયાત્રાનો લાભ લીધો હતો. ૧૪૦૦ વર્ષ પહેલાં હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) જે માર્ગે પસાર થયા હતા એ જ માર્ગે હજયાત્રા કરવાની પરંપરા છે. તમામ ફિરકાના મુસ્લિમો પરસ્પરના મતભેદો ભૂલીને મક્કા મદીનામાં સાથે રહે છે અને ઇબાદત કરે છે.

 આ વખતે હજયાત્રીઓ માટે સાઉદી અરેબિયાએ કડક નિયમો અને પ્રતિબંધો લીધા હતા. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજિયાત હોવાની ઔપચારિક જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે સૌથી વધુ કડક નિયમ તો એ બનાવવામાં આવ્યો હતો કે માત્ર વીસથી પચાસ વર્ષની વયના મુસ્લિમોને જ હજ કરવાની પરવાનગી મળી છે.

 હાલ જેટલા લોકો મક્કા મદીનામાં છે એ પણ સમૂહભોજન ટાળીને પોતાની હોટલના રૂમમાં એકલા ભોજન લઇ રહ્યા હતા અને દરેકને સૂચના આપવામાં આવી હતી કે કારણ વિના બહાર ટહેલવા નીકળવું નહીં.

 દુનિયાના લગભગ બધા દેશોને સાઉદી અરેબિયાએ પોતાના હજ માટેના નિયમોની જાણ કરી દીધી હતી. આ નિયમો અને પ્રતિબંધોનો ચુસ્ત રીતે અમલ કરવામાં આવશે એવી માહિતી પણ પોતાના રાજદૂતાવાસો દ્વારા સાઉદીએ દુનિયાભરના દેશોને આપી હતી. આમ સામાન્ય રીતે દર વરસે પચીસ ત્રીસ લાખ લોકો હજયાત્રા કરતા હોય છે એની સામે આ વરસે ખુબ ઓછા લોકોને હજયાત્રા કરવા મળી રહી છે.

(3:54 pm IST)