Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મેરેજ એનિવર્સરીની ઉજવણી વખતે જ પત્‍ની પ્રેમી સાથે ભાગી ગઇ !

થોડા દિવસ બાદ પત્‍નીએ પતિને ફોન કરીને પ્રેમી સાથે રહેતી હોવાથી જાણકારી આપી

હૈદ્રાબાદ,તા. ૩૦ : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમનો એક કિસ્‍સો ચર્ચાસ્‍પદ બન્‍યો છે. પતિ-પત્‍ની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરતા હતા એ દરમિયાન જ પત્‍ની પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પતિએ પત્‍નીની શોધખોળ કરી પણ દિવસો સુધી તેની કોઈ ભાળ મળી ન હતી.

વિશાખાપટ્ટનમમાં આવેલા આરકે બિચમાં પતિ-પત્‍ની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા હતા. દંપતી બિચના અલગ અલગ સ્‍થળોએ ફોટા પડાવતા હતા. બધું બરાબર ચાલતું હતું કે અચાનક પતિની નજર ચૂકવીને પત્‍ની ક્‍યાંક ગુમ થઈ ગઈ. પતિએ આસપાસમાં બધે તપાસ કરી લીધી. ક્‍યાંયથી પત્‍નીની માહિતી ન મળતા તેણે નજીકના પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે શોધખોળ આદરી.

ત્રણ-ચાર દિવસ વીતી ગયા હોવાથી એ યુવાનની પત્‍ની પાણીમાં ડૂબી ગઈ હોવી જોઈએ એવું તારણ કાઢીને પોલીસે હેલિકોપ્‍ટર્સથી દરિયાની ઉપર મૃતદેહની પણ તપાસ કરી જોઈ. મરજીવાઓને દરિયામાં ઉતાર્યા. પણ કોઈ જ ભાળ ન મળી. એમાંને એમાં લાખો રૃપિયાનો ખર્ચ પણ થયો.

થોડા દિવસ પછી પત્‍નીએ પતિને ફોન કરીને જાણકારી આપી કે એ નેલ્લોરમાં તેના પ્રેમી સાથે રહે છે અને એ બંનેએ લગ્ન પણ કરી લીધા છે. પત્‍નીએ સ્‍વીકાર્યું કે એ બિચ પરથી જ તેના પ્રેમી સાથે ભાગીને નેલ્લોર આવી ગઈ હતી. આ કિસ્‍સો સામે આવ્‍યો પછી લોકોએ સોશિયલ મીડિયામાં પણ એની ચર્ચા કરી હતી. પોલીસ પ્રશાસને તેને શોધવા પાછળ આટલી મહેનત કરી, સારો એવો ખર્ચ કર્યો ત્‍યાં સુધી યુવતીએ સ્‍પષ્ટતા ન કરી એ બાબતે લોકોએ તેની ઝાટકણી કાઢી હતી. આંધ્રપ્રદેશમાં આ કિસ્‍સો ચર્ચાસ્‍પદ બન્‍યો છે.

(10:12 am IST)