Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

આજે ચૂંટણી થાય તો એનડીએને ફરી સત્તા

અરે વાહ... હજુ પણ મોદીનો જાદુ અકબંધઃ NDA ૩૬૨: UPA ૯૭: અન્‍યો ૮૪ : તામિલનાડુમાં ડીએમકે -પ.બંગાળમાં મમતા હજુ ફેવરીટઃ પીએમ માટે ૪૮ ટકા લોકોની પસંદ મોદીઃ રાહુલને ૧૧ ટકા લોકો પસંદ કરે છેઃ ઇન્‍ડિયા ટીવીનો સર્વે

નવી દિલ્‍હી, તા.૩૦: જો અત્‍યારે લોકસભાની ચૂંટણી યોજાય તો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૩૬૨ બેઠકો પર જંગી જીત નોંધાવી શકે છે. ઈન્‍ડિયા ટીવી-મેટ્રિક્‍સ ન્‍યૂઝ કોમ્‍યુનિકેશન દ્વારા રાષ્ટ્રવ્‍યાપી ઓપિનિયન પોલમાં આ તારણ આવ્‍યું છે. ‘દેશ કી આવાઝ' નામના આ ઓપિનિયન પોલના પરિણામો ઈન્‍ડિયા ટીવી પર પ્રસારિત કરવામાં આવ્‍યા હતા.

આ સર્વે અનુસાર જો અત્‍યારે લોકસભાની ચૂંટણી યોજાય તો કોંગ્રેસના નેતૃત્‍વમાં સંયુક્‍ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ને માત્ર ૯૭ બેઠકો જ મળે તેવી શક્‍યતા છે. બીજી બાજુ, ‘અન્‍ય', જેમાં પ્રાદેશિક પક્ષો અને અપક્ષોનો સમાવેશ થાય છે, ૮૪ બેઠકો જીતી શકે છે. આ સર્વે અનુસાર જો હવે લોકસભાની ચૂંટણી યોજાય તો એનડીએને ૪૧ ટકા વોટ મળવાની ધારણા છે, યુપીએને ૨૮ ટકા અને ‘અન્‍ય'ને ૩૧ ટકા વોટ મળી શકે છે.

આ સર્વેમાં રાજયો અનુસાર સીટોની જે વિગતો સામે આવી છે તે ખૂબ જ રસપ્રદ છે. સૌથી વધુ વસ્‍તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં NDA ૮૦માંથી ૭૬ બેઠકો જીતે તેવી શક્‍યતા છે. યુપીએ અને અન્‍યને માત્ર બે બેઠકો મળવાનો અંદાજ છે. NDA બિહારની કુલ ૪૦ લોકસભા સીટોમાંથી ૩૫ સીટો જીતી શકે છે, જયારે UPA ૫ સીટો જીતે તેવી ધારણા છે. મહારાષ્ટ્રમાં એનડીએ લોકસભાની કુલ ૪૮ બેઠકોમાંથી ૩૭ બેઠકો જીતી શકે છે, જયારે વિપક્ષી પાર્ટીઓ બાકીની ૧૧ બેઠકો જીતી શકે છે.

તમિલનાડુમાં, ડીએમકેની આગેવાની હેઠળની સત્તારૂઢ યુપીએ રાજયની કુલ ૩૯ લોકસભા બેઠકોમાંથી ૩૮ બેઠકો જીતે તેવી શક્‍યતા છે, જયારે બાકીની એક બેઠક એનડીએને જાય તેવી અપેક્ષા છે. જયારે LDF શાસિત રાજય કેરળમાં બિન-ભાજપ વિપક્ષ તમામ ૨૦ લોકસભા બેઠકો જીતી શકે છે. TMC શાસિત પશ્‍ચિમ બંગાળમાં, લોકસભાની કુલ ૪૨ બેઠકોમાંથી, મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસને ૨૬ બેઠકો, NDAના ખાતામાં ૧૪ બેઠકો અને UPAને બે બેઠકો મળવાની સંભાવના છે.

સર્વેક્ષણ એજન્‍સી દ્વારા આપવામાં આવેલી રાજયવાર વિગતોઃ

ગુજરાતઃ કુલ બેઠકો-૨૬, NDA-૨૬, UPA-૦

મહારાષ્ટ્રઃ કુલ બેઠકો-૪૮, NDA-૩૭, UPA-૧૧

ગોવાઃ કુલ બેઠકો-૨, NDA-૨

રાજસ્‍થાનઃ કુલ સીટો-૨૫, NDA-૨૫

મધ્‍ય પ્રદેશઃ કુલ બેઠકો-૨૯, NDA-૨૮, UPA-૧

છત્તીસગઢઃ કુલ સીટો-૧૧, NDA-૧૦, UPA-૧

પશ્ચિમ બંગાળઃ કુલ બેઠકો-૪૨, NDA-૧૪, UPA-૨, અન્‍ય (TMC)-૨૬

બિહારઃ કુલ સીટો-૪૦, NDA-૩૫, UPA-૫

ઝારખંડઃ કુલ સીટો-૧૪, NDA-૧૩, UPA-૧

ઓડિશાઃ કુલ બેઠકો-૨૧, એનડીએ-૧૧, યુપીએ-૨, અન્‍ય (બીજેડી સહિત) - ૮

હિમાચલ પ્રદેશઃ કુલ બેઠકો-૪, NDA-૪

પંજાબઃ કુલ બેઠકો-૧૩, NDA-૩, UPA-૩, અન્‍ય (AAP સહિત) ૭

હરિયાણાઃ કુલ બેઠકો-૧૦, NDA-૯, UPA-૧

J&K, લદ્દાખઃ કુલ બેઠકો-૬, NDA-૩, UPA-૦, અન્‍ય-૩

દિલ્‍હીઃ કુલ સીટો-૭, NDA-૭, UPA-૦, અન્‍ય-૦.

ઉત્તર પ્રદેશઃ કુલ બેઠકો-૮૦, NDA-૭૬, UPA-૨, અન્‍ય-૨

ઉત્તરાખંડઃ કુલ બેઠકો-૫, NDA-૫, UPA-૦

તેલંગાણાઃ કુલ બેઠકો-૧૭, NDA-૬, UPA-૨, અન્‍ય (TRS સહિત)-૯

આંધ્ર પ્રદેશઃ કુલ બેઠકો-૨૫, NDA-૦, અન્‍ય (વાયએસઆર કોંગ્રેસ સહિત)-૨૫

કર્ણાટકઃ કુલ સીટો-૨૮, NDA-૨૩, UPA-૪ અન્‍ય-૧

તમિલનાડુઃ કુલ બેઠકો-૩૯, NDA-૧, UPA (DMK સહિત)-૩૮, અન્‍ય-૦

કેરળઃ કુલ બેઠકો-૨૦, NDA-૦, UPA-૨૦, અન્‍ય-૦

ત્રિપુરાઃ કુલ બેઠકો-૨, NDA-૨, UPA-૦.

આસામઃ કુલ બેઠકો-૧૪, NDA-૧૧, UPA-૧, અન્‍ય-૨

ઉત્તર-પૂર્વ રાજયોઃ કુલ બેઠકો-૯, NDA-૭, UPA-૧, અન્‍ય-૧

અન્‍ય કેન્‍દ્રશાસિત પ્રદેશોઃ કુલ બેઠકો-૬, NDA-૪, અન્‍ય-૦

સર્વેમાં જયારે લોકોને વડાપ્રધાન પદ માટે તેમની પ્રથમ પસંદગી વિશે પૂછવામાં આવ્‍યું તો ૪૮ ટકા લોકોએ કહ્યું કે તેઓ નરેન્‍દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. મોદી પછી ૧૧ ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે. મમતા બેનર્જી માટે ૮ ટકા, સોનિયા ગાંધી માટે ૭ ટકા, માયાવતી માટે ૬ ટકા અને અરવિંદ કેજરીવાલ માટે ૫ ટકા પીએમ તરીકે તેમની પ્રથમ પસંદગી છે. જયારે નીતિશ કુમાર ૪ ટકા, કે. ચંદ્રશેખર રાવ ૩ ટકા અને પ્રિયંકા વાડ્રા ૨ ટકા માટે પીએમ તરીકે પ્રથમ પસંદગી છે.

જયારે તેમને પૂછવામાં આવ્‍યું કે મોદીના સૌથી મજબૂત રાજકીય હરીફ કોણ છે, ૩૨ ટકા ઉત્તરદાતાઓએ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું જયારે ૧૯ ટકાએ અરવિંદ કેજરીવાલને પસંદ કર્યા. ૧૧ ટકા લોકોએ મમતા બેનર્જીને સમર્થન આપ્‍યું, ૮ ટકા લોકોએ સોનિયા ગાંધીને અને ૮ ટકા લોકોએ નીતીશ કુમારનું સમર્થન કર્યું. ઈન્‍ડિયા ટીવી-મેટ્રિક્‍સ ઓપિનિયન પોલ ‘દેશ કી આવાઝ' માટે સર્વેનું કામ ૧૧ જુલાઈથી ૨૪ જુલાઈની વચ્‍ચે કરવામાં આવ્‍યું હતું. આ સર્વે દેશના ૫૪૩ સંસદીય મતવિસ્‍તારોમાંથી ૧૩૬માં કરવામાં આવ્‍યો હતો. આ માટે ૩૪ હજાર લોકોના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા, જેમાં ૧૯,૮૩૦ પુરૂષ અને ૧૪,૧૭૦ મહિલાઓ હતા.

(10:22 am IST)