Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વાડિયા કેસ : મુકેશ અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની અરજી : CBIનો વિરોધ

૩૧ જુલાઇ ૧૯૮૯ના રોજ કીર્તિ અંબાણી અને અન્‍યો સામે વ્‍યાપારી દુશ્‍મનાવટને કારણે બોમ્‍બે ડાઇંગના પ્રમુખ નુસ્‍લી વાડિયાની હત્‍યાનું કાવતરૂં ઘડવા બદલ FIR નોંધવામાં આવી હતી

નવી દિલ્‍હી તા. ૩૦ : સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (CBI) એ ગુરુવારે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને ૧૯૮૯માં ઉદ્યોગપતિ નુસ્‍લી વાડિયાની હત્‍યાના કથિત પ્રયાસ સાથે સંબંધિત કેસમાં કોર્ટમાં સાક્ષી તરીકે બોલાવવાની આરોપીની અરજીનો વિરોધ કર્યો હતો. આ કેસના આરોપી ઈવાન સિક્‍વેરાએ સ્‍પેશિયલ સીબીઆઈ કોર્ટમાં જઈને મુકેશ અંબાણીને સાક્ષી તરીકે સમન્‍સ પાઠવવાની માંગ કરી હતી.
કેન્‍દ્રીય તપાસ એજન્‍સીએ તેના જવાબમાં કહ્યું હતું કે આરોપીને કેસના આ તબક્કે વધુ તપાસ કરવાનો કોઈ અધિકાર નથી અને તેની અરજી ફગાવી દેવી જોઈએ. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ભૂતપૂર્વ વરિષ્ઠ એક્‍ઝિક્‍યુટિવ કીર્તિ અંબાણી આ કેસના મુખ્‍ય આરોપી હતા, જેનું ટ્રાયલ દરમિયાન મૃત્‍યુ થયું હતું.
૩૧ જુલાઇ ૧૯૮૯ ના રોજ કીર્તિ અંબાણી અને અન્‍યો સામે વ્‍યાપારી દુશ્‍મનાવટને કારણે બોમ્‍બે ડાઇંગના પ્રમુખ નુસ્‍લી વાડિયાની હત્‍યાનું કાવતરૂં ઘડવા બદલ FIR નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે ૨ ઓગસ્‍ટ, ૧૯૮૯ના રોજ કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્‍સફર કરી હતી, પરંતુ તેની ટ્રાયલ ૨૦૦૩માં શરૂ થઈ હતી.

 

(10:54 am IST)