Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જધન્ય ગુનામાં સમાધાનના આધારે એફઆઈઆર રદ ન કરી શકાય : સુપ્રીમ

રૃપિયા પડાવવા પરોક્ષ કારણોથી ફરિયાદ નોંધાવાશે એવું કોર્ટનું તારણ : ફરિયાદકર્તા સાથે સમાધાનના આધારે જ ગંભીર અને જઘન્ય ગુના સાથે સંબંધિત એફઆઈઆર કે ફરિયાદોને રદ કરવાનો આદેશ એક ખતરનાક મિસાલ સાબિત થશે

નવી દિલ્હી, તા.૩૦ : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ કે એવા જઘન્ય ગુના જેનો સમાજ પર ગંભીર પ્રભાવ પડે છે. તેવા કેસમાં ગુનેગાર અને ફરિયાદકર્તા અથવા પીડિતની વચ્ચે સમાધાનના આધારે એફઆઈઆરને રદ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ફરિયાદકર્તા સાથે સમાધાનના આધારે જ ગંભીર અને જઘન્ય ગુના સાથે સંબંધિત એફઆઈઆર કે ફરિયાદોને રદ કરવાનો આદેશ એક ખતરનાક મિસાલ સાબિત થશે. આરોપી પાસેથી રૃપિયા પડાવવા માટે પણ પરોક્ષ કારણોથી ફરિયાદ નોંધવામાં આવશે.

જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને વી. રામસુબ્રમણ્મયનની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યુ કે આ સિવાય આર્થિક રીતે મજબૂત ગુનેગાર હત્યા, દુષ્કર્મ, પત્નીને સળગાવવા જેવા ગંભીર અને વધુ ગંભીર કેસમાં પણ માહિતી દેનાર કે ફરિયાદકર્તાઓને ખરીદીને અને તેમની સાથે સમાધાન કરીને મુક્ત થઈ જશે.

પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો, જેમાં માર્ચ ૨૦૨૦માં આત્મહત્યા માટે ઉશ્કેરનારની કથિત ગુના માટે નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી હતી. કોર્ટના છેલ્લા નિર્ણયનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યુ કે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ ૪૮૨ હેઠળ એક એફઆઈઆર, ગુનાકીય ફરિયાદ કે ગુનાકીય કાર્યવાહીને રદ કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યા પહેલા હાઈકોર્ટે સતર્ક રહેવુ જોઈએ અને ગુનાની પ્રકૃતિ અને ગંભીરતા વિશે વિચાર કરવો જોઈએ. 

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જઘન્ય કે ગંભીર ગુનો સમાજ પર ગંભીર પ્રભાવ નાખે છે, એવા કેસને ગુનેગાર અને ફરિયાદકર્તા અથવા પીડિત વચ્ચે સમાધાનના આધારે રદ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે હત્યા, રેપ, ઘરફોડ ચોરી, લૂંટ, આત્મહત્યા માટે ઉશ્કેરનાર જેવા ગુના સમાજ વિરુદ્ધ છે. કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન થવા પર પ્રોસિક્યુશનને રદ કરી શકાય નહીં જ્યારે ગુનો ગંભીર અને જઘન્ય છે અને સમાજ વિરુદ્ધ ગુના હેઠળ આવે છે.

(7:57 pm IST)