Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કેવાયસીમાં ભૂલ થશે તો ટ્રેડિંગ-ડિમેટ એકાઉન્ટ બંધ થઈ જશે

સેબીએ કેવાયસી સંદર્ભે નવા નિયમો જાહેર કર્યા : એમઆઇઆઇ એ આવા કેસમાં સંબંધિત વ્યક્તિ કે કંપની સુધી એ વાત પહોંચાડવાની રહેશે કે તેમનું ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યુ છે

મુંબઈ, તા.૩૦  : સેબીએ નો- યોર કસ્ટમર (કેવાયસી) માટે અધુરી કે ખોટી માહિતી આપવાના કિસ્સામાં રોકાણકારોના ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ આટોમેટિક ડિએક્ટિવ એટલે કે નિષ્ક્રિય અને ફ્રીઝ કરવા સંબંધિ નવા નિયમો જાહેર કર્યા છે.

આ નિયમ આગામી ૩૧મી ઓગસ્ટથી લાગુ થશે. સેબીએ જણાવ્યુ કે, સરનામું એ કોઇ કેવાયસીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે એકદમ સાચું હોવુ જોઇએ.    કેવાયસી હેઠળ સરનામું સમયાંતર મધ્યસ્થીઓ દ્વારફતે અપડેટ કરાવતા રહેવુ જોઇએ, પરંતુ સેબીએ નોંધ્યુ કે આવુ થઇ રહ્યુ નથી. હકીકીતમાં સેબીએ જ્યારે પણ કોઇ કેસના મામલે ડીમેટ ખાતાધારકોને નોટિસ મોકલી છે તો તે સંબંધિત ખાતાધારકો સુધી પહોંચી નથી. હવે નવા નિયમો હેઠળ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન (એમઆઇઆઇ) જેવા કે શેરમાર્કેટ, સંબંધિત ખાતાધરાકોને શો-કોઝ નોટિસ કે નિયામક દ્વારા જારી થયેલા આદેશ પોતે પહોંચાડવાના રહેશે.   

કોઇપણ કેસમાં સંબંધિત વ્યક્તિએ નોટિસ મેળવી લીધી છે તેના પૂરાવા એમઆઇઆઇ એ ૩૦ દિવસની અંદર સેબી સમક્ષ રજૂ કરવાના રહેશે. ૩૦ દિવસની ગણતરી સેબી દ્વારા નોટિસ મોકલવાના આદેશના દિવસથી થશે. જે વ્યક્તિને નોટિસ મોકલવાની છે, જો એમઆઇઆઇ આ ૩૦ દિવસની અંદર જે-તે વ્યક્તિને કોઇ નોટિસ મેળવ્યાની રિસિપ્ટ ન મેળવે તો તેની પછીના પાંચ દિવસની અંદર તે વ્યક્તિના તમામ ડીમેટ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, પ્રાપ્ત રિસિપ્ટ પર નોટિસ મેળવનાર કે તેમના દ્વારા અધિકૃત વ્યક્તિની સહી હોવી જોઇએ.    સેબીએ કહ્યુ કે, એમઆઇઆઇ એ આવા કેસમાં સંબંધિત વ્યક્તિ કે કંપની સુધી એ વાત પહોંચાડવાની રહેશે કે તેમનું ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યુ છે અને તેનું કારણ પણ જણાવવાનું રહેશે. બંધ થયા બાદ સંબંધિત કંપની ઇન્ટરમીડિયેટરની મદદથી ફરી એકાઉન્ટ ખોલાવવા અરજી કરી શકે છે, જેમાં તેમણે સરનામાંની સારી માહિતી આપવી પડશે. ઉપરોક્ત નિયમો તમામ ડીમેટ એકાઉન્ટ માટે લાગુ પડશે.

 

(7:58 pm IST)