Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભાજપમાંથી તૃણમુલ કોંગ્રેસમાં ગયેલા ધારાસભ્યને ઈડીએ નોટિસ ફટકારી

મમતાના પક્ષના ધારાસભ્ય પણ હવે ઈડીની રડાર પર : આ કાર્યવાહી ધારાસભ્યની કંપની અને કોલકાતા સ્થિત બે ચેનલો વચ્ચેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને લઈને કરવામાં આવી છે

નવી દિલ્હી, તા.૩૦ : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યની ફૂડ એન્ડ એડિબલ ઓઈલ કંપનીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી તેમની કંપની અને કોલકાતા સ્થિત બે ચેનલો વચ્ચેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને લઈને કરવામાં આવી છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે સસ્પેન્ડ તૃણમુલ મંત્રી પાર્થ ચેટર્જીના સહયોગીના ઘરમાંથી ઈડીએ કરોડો રૃપિયા જપ્ત કર્યા છે. એવી અપેક્ષા છે કે, પાર્ટીના ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણીને કેન્દ્રીય તપાસ એજન્સી ગમે ત્યારે બોલાવી શકે છે. મમતા બેનર્જીની પાર્ટીમાં સામેલ થવા પહેલા કલ્યાણી બીજેપીમાં હતા. તેઓ વર્ષ ૨૦૦૨માં સ્થાપિત એક ફૂડ મેન્યુફેક્ચરિંગ ફર્મ કલ્યાણી સોલ્વેક્સ પ્રાઈવેટ લિમિટેડની માલિક છે. તેમણે બીજેપીની ટિકીટ પર ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ વિધાનસભામાંથી રાજીનામું આપ્યા વગર જ તૃણમુલમાં સામેલ થઈ ગયા હતા. અહેવાલ પ્રમાણે ધારાસભ્યની કંપનીની કોલકાતાની બે ચેનલો સાથે નાણાંકીય લેવડ-દેવડ તપાસના દાયરામાં છે. અર્પિતા મુખર્જીના ઘરમાંથી કરોડો રૃપિયા જપ્ત કર્યા બાદ તૃણમુલે મંત્રી પાર્થ ચેટર્જીની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. તેમને પાર્ટીના બધા પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના પર ૨૦૧૬માં સરકારી સ્કૂલોમાં શિક્ષકો અને કર્મચારીઓની ભરતી માટે લાંચ લેવાનો આરોપ છે જ્યારે તેઓ શિક્ષા મંત્રી હતા.

 

 

 

(7:59 pm IST)