Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહની દેખરેખ હેઠળ 4 સ્થળોએ 30,000 કિલોથી વધુનો ડ્રગ્સનો નાશ કરાયો

ડ્રગ્સની હેરાફેરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને ડ્રગની હેરફેર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ : અમિત શાહ

નવી દિલ્લી તા.30 : NCBએ 1 જૂનથી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ શરૂ કરી હતી અને 29 જુલાઈ સુધીમાં 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવ્યો છે. જે વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ, NCB દ્વારા ચંદીગઢથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ તેમની દેખરેખ હેઠળ 4 સ્થળોએ 30,000 કિલોથી વધુ જપ્ત કરાયેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સનો નાશ કરતાંદરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને ડ્રગની હેરફેર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ. આપણે ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લગાવીને યુવા પેઢીને બચાવવાની છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના આહ્વાન પર, NCBએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. શનિવારે 30,468.784 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કર્યા પછી, કુલ જથ્થો 81,686 કિલોગ્રામની આસપાસ પહોંચી જશે, જે NCBના લક્ષ્‍યાંકને વટાવી જશે. ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે. કોન્ફરન્સમાં પ્રથમ વખત ગૃહમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ડ્રગ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ એક મંચ પર હાજર રહ્યા હતા.

એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, આ કોન્ફરન્સ દેશને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના મોદી સરકારના અટલ સંકલ્પને દર્શાવે છે. કોન્ફરન્સ પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ મુખ્ય પ્રધાનો, પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય સચિવો અને ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકોને મળશે.

સાંજે અમિતભાઈ શાહ ત્રણ સરકારી શાળાની ઇમારતોના ઉદ્ઘાટન સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપશે. નવી દિલ્હી જતા પહેલા, તેઓ સુખના તળાવ ખાતે 'હર ઘર તિરંગા' અને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ પંજાબ રાજભવન ખાતે રાત્રિભોજન કરશે. છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રીની ચંદીગઢની આ બીજી મુલાકાત છે.

(9:43 pm IST)