Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

GSTમાં વ્યાપક બનતું દૂષણ..ટકાવારી ચૂકવો અને કલાકોમાં જ રિફંડ મેળવો

અધિકારીઓએ ઉઘરાણાનો ધારો જ બનાવી દેતાં વેપારીઓ પરેશાન :તપાસ કરવામાં આવે તો જ વેપારીઓને થતી હેરાનગતિ અટકી શકે

મુંબઇ,તા. ૩૦: જીએસટી રિફંડ આપવામાં અધિકારીઓની આડોડાઇને કારણે વેપારીઓની પરેશાની વધી રહી છે.

૫૦ લાખથી ઓછી રકમનું રિફંડ આપવાનું હોય તો કેટલાક ટેકસ કન્સલ્ટન્ટ અને સીએ પાંચ ટકા સુધીનું ઉઘરાણુ વેપારી પાસે કરતા હોય છે. તેમાં અધિકારીને દોઢથી બે ટકા લેખે આપતા હોવાનું કહેવાય છે. આજ કારણોસર માનીતા સીએ અને ટેકસ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવતી રિફંડની અરજીની ગણતરીના દિવસોની વાત તો દૂર રહી ગણતરીના કલાકોમાં નિકાલ કરી દેવામાં આવતો હોય છે. જ્યારે પચાસ લાખથી વધુ રકમના રિફંડના કિસ્સામાં ત્રણ ટકાનું ઉઘરાણુ કરાતુ હોવાનું કહેવાય છે તે પૈકી અધિકારીને દોઢ ટકાનું ચુકવણુ કરતા હોવાનું વેપારી વર્તુળમાં જ ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે આવા અધિકારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ તથા સીએ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જો કે જે અધિકારીઓ દ્વારા રિફંડની અરજી આવ્યાના ગણતરીના દિવસોમાં કે કલાકોમાં અરજીનો નિકાલ કરવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવે તો વેપારીઓને થતી હેરાનગતિ અટકી શકે તેમ છે.

લેખિતમાં ફરિયાદ કરવા વેપારીઓમાં ગભરાટ

જીએસટીમાં વધતી જતી અધિકારીઓની દાદાગીરીની સાથે સાથે રિફંડ મેળવવા માટે પણ કરવી પડતી ચુકવણીની ફરિયાદોમાં વેપારી, ટેકસ કન્સલ્ટન્ટ કે સીએ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવા તૈયાર નહીં હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે કોઇ પણ દ્વારા ફરિયાદ કરવામાં આવે એટલે સમગ્ર વિભાગમાં તે વેપારી, ટેકસ કન્સલ્ટન્ટ કે પણ સીએના કામ અટકાવી દેવામાં આવતા હોય છે તેના લીધે જ ખુલીને ફરિયાદ કરતા નથી. તેના કારણે જ અચાનક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો જ આબદી અટકી શકે તેમ છે.

(10:23 am IST)