Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કંપનીના ગુનાઓ સબબ સુપ્રીમ કોર્ટનું મહત્વનું અનુમાન

કંપનીના ચેરમેન, મેનેજિંગ ડિરેકટર, ડિરેકટર વગેરે જેવા ઉચ્ચાધિકારીઓને કંપનીના ગુનાઓ સબબ દોષિત ઠેરવી શકાય નહી

નવી દિલ્હી,તા. ૩૦ : કંપનીના ચેરમેન, મેનેજિંગ ડિરેકટર, ડિરેકટર વગેરે જેવા ઉચ્ચાધિકારીઓને કંપનીના ગુનાઓ સબબ દોષિત ઠેરવી શકાય નહી. ગુનામાં એમની વ્યકિતગત ભૂમિકા બાબતે નિશ્ચિત આરોપો અને એના સમર્થનમાં નિશ્ચિત નોંધ ન હોય તો એમની સામે ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં, એવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે સોમવારે આપ્યો છે.

ન્યાયમૂર્તિઓ એમ.આર.શાહ અને એ.એસ.બોપન્નાની બેન્ચે રવીન્દ્રભાઇ બાજપે વિરૂધ્ધ મેંગ્લોર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના કેસમાં કહ્યુ હતુ કે કંપનીના ડિરેકટર્સ જેવા આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે એ વાતે મેજિસ્ટ્રેટને પોતાને સંતોષ થવો જોઇએ. ઉચ્ચાધિકારીઓએ પોતાના હોદ્દાની રૂએ કોઇ ગુનામાં ભૂમિકા ભજવી હોય તો જ એમની સામે ફોજદારી કાર્યવાહી કરી શકાય છે.

ગુનામાં નિશ્ચિત ભૂમિકા વગર જ , માત્ર તેઓ ચેરમેન, મેનેજિંગ ડિરેકટર, એકિઝકયુટિવ ડિરેકટર અને અથવા ડેપ્યુટી જનરલ મેનેજર અને અથવા પ્લાનર/ સુપર વાઇઝર છે એ કારણસર એમને આરોપી ગણી શકાય નહીં, એમ અદાલતે કહ્યુ હતું.

અહીં યાદ દેવડાવવું ઘટે કે નેશનલ સ્પોટ એકસચેન્જ લિમિટેડ (એનએસઇએલ)ની પેમેન્ટ કટોકટીના કેસમાં મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ એકસચેન્જના સ્થાપક એફટીઆઇએલના તત્કાલીન ચેરમેન જિજ્ઞેશ શાહની ધરપકડ કરી હતી. મુંબઇ વડી અદાલતે એ કેસમાં જિજ્ઞેશ શાહને જામીન આપ્યા હતા. વડી અદાલતના આદેશની વિરૂધ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ સર્વોપરી અદાલતે પણ જામીન માન્ય રાખ્યા હતા. કારણ કે એ કેસમાં એમની કોઇ સંડોવણી ન હતી. એનએસઇએલના કેસમાં એકસચેન્જના તત્કાલીન મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ અંજની સિન્હાની ભૂમિકા મુખ્ય હતી.

(10:23 am IST)