Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રાજયમાં ૮૪ લાખથી વધુ લોકો વધ્યા

ગુજરાતની વસતિ ૯ વર્ષમાં ૬ કરોડથી વધી ૭ કરોડઃ ૧૩ ટકાનો વધારો

ભારતની વસતીમાં ૧૧.૦૯ ટકાનો વધારો થયો છે, ગુજરાતમાં વસતી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ ૩૦૮ થઇ છે

નવી દિલ્હી,તા. ૩૦: ગુજરાતમાં વસતી વધારો સતત થઇ રહ્યો છે. ભારતની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે ૨૦૨૦માં રાજયની વસતી ૬.૯૪ કરોડ થઇ છે, જે ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ૬.૧૦ કરોડ હતી. નવ વર્ષમાં રાજયની વસતીમાં ૧૩ ટકાનો વિંક્રમી વધારો થયો છે.

ગુજરાતની સરખામણીએ ભારતની વસતીનો દર ઓછો રહ્યો છે. દેશમાં આ સમયગાળા દરમ્યાન ૧૧.૦૯ ટકાના દરે વસતી વધી છે. દેશની વસતી ૨૦૧૧માં ૧૨૨.૦૧ કરોડ હતી જે વધીને ૨૦૨૦માં ૧૩૫.૫૪ કરોડ થઇ છે. કોરોના સંક્રમણના કારણે ૨૦૨૧માં વસતી ગણતરી થઇ શકી નથી પરંતુ પ્રોજેકટેડ વસતીના આંકડા જાહેર કરવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં વસતીના અંદાજો જાહેર કરવામાં આવેલા છે જેમાં નવ વર્ષમાં ગુજરાતમાં ૮૪ લાખ લોકો વધી ગયા છે. પ્રતિ ચોરસ કિલોમીટર પ્રમાણે વ્યકિતની સંખ્યા ભારતમાં ૩૮૨ છે જયારે ગુજરાતમાં ૨૦૮ છે. રાજયમાં ગરીબી રેખાની નીચે જીવતી વસતી ૧૬.૬ ટકા છે.

ગુજરાતમાં સાક્ષરતાનો દર વધીને ૭૮.૦ થયો છે જયારે બાળમરણનો દર ૧૦૦૦ સામે ૩૦.૦ છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ભારતમાં ૬૯.૪ વર્ષ છે જયારે રાજયમાં ૬૯.૯ જોવા મળ્યું છે. વર્તમાન ભાવોએ એકંદર ઘરેલું ઉત્પાદન અને રાજયનું એકંદર ઘરેલું ઉત્પાદન ૧૬૬૩૩૬૨ કરોડ રૂપિયા જોવા મળ્યું છે, જયારે ભારતનું એકંદર દ્યરેલું ઉત્પાદન ૨૦૩૩૯૮૪૯ કરોડ રૂપિયા છે. 

(10:24 am IST)