Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

મજ્જા હી મજ્જા

અઠવાડિયામાં ચાર દિવસ કામ કરો, ૩ દિવસ રજા.. ભારતમાં અનોખી શરૂઆત

મુંબઇ,તા. ૩૦: અઠવાડિયામાં ત્રણ દિવસ રજાને લઇ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે સાયબર સિકયોરિટી કંપની TAC સિકયોરિટીએ મુંબઈ સ્થિત ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓના વીક ઓફ વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું કે હવે કર્મચારીઓ અઠવાડિયામાં ૪ દિવસ જ કામ કરવાનું રહેશે અને બાકી ૩ દિવસ રજા રહેશે. જોકે કંપનીએ તેને કાયમી નથી કર્યું. જો ૭ મહિના દરમિયાન અઠવાડિયામાં ત્રણ દિવસની રજા રાખવા પર પણ પ્રોડકિટવિટી વધે છે, તો નિયમને હંમેશા લાગૂ કરવામાં આવશે.

કંપનીએ આ નિર્ણય પર પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ પગલાથી કર્મચારીઓનું કામ અને વ્યકિતગત જીવનમાં બેલેન્સ બનાવવામાં મદદ મળશે. ૩ દિવસની રજા પછી, જયારે કર્મચારી કામ પર પાછા ફરશે તો વધારે એનર્જી અને ઉત્સાહ સાથે આવશે. ૨૦૦ કર્મચારીઓની આ કંપનીએ આ નિર્ણયને 'ફ્યૂચર ઓફ વર્ક'ગણાવ્યું.

કંપનીએ તેના માટે આંતરિક સર્વે પણ કરાવ્યો. આ સર્વેમાં ૮૦ ટકા કર્મચારીઓએ અઠવાડિયામાં ૪ દિવસ વધુ કામ કરવાની વાત કહેવામાં આવી છે. તેના કારણે મળતી રજાઓના કારણે અંગત જીવનનું આનંદ લઇ શકાશે. આ જાહેરાત પછી મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓએ જુદા-જુદા કોર્સ અને એકિટવિટીમાં ભાગ પણ લીધો.

TACનાફાઉન્ડર અને સીઈઓ ત્રિશનીત અરોરાએ જણાવ્યું કે અમારી ટીમ અને કંપનીમાં મોટાભાગના યુવાનો છે. તેથી અમે વધારે એકસપરિમેન્ટ કરી કામ અને લાઇફને બેલેન્સ બનાવવા માટે કેટલાક નવા અને સારા પ્રયોગ કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે અમે બધા લોકો ૫ દિવસના કામ સાથે ટેવાઇ ગયા છે. તેથી હું તેને પડકાર ગણું છું અને આ પદ્ઘતિ નવી જરૂર છે, તેથી તેને અપનાવવામાં થોડો સમય લાગશે.

(10:27 am IST)