Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ડિજિટલ હેલ્થ કાર્ડઃ કેવી રીતે કરશે કામ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો ?

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે :આધાર કાર્ડ જેવું જ હશે જેમાં ૧૪ આંકડાનો એક નંબર હશે : ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવા તમારે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની વેબસાઈટ પર જવું પડશે

નવી દિલ્હી,તા. ૩૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૭ સપ્ટેમ્બરે પ્રધાન મંત્રી ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કર્યું. આ અંતર્ગત દેશવાસીઓને એક યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે. જેમાં તેમની તમામ વિગતો હશે. આ યોજના અગાઉ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન તરીકે જાણીતી હતી. પરંતુ ઘણા લોકોને હજી સવાલ છે કે ડિજિટલ હેલ્થ કાર્ડ છે શું? તેનાથી ફાયદો શું થશે? તથા આ કાર્ડ કયાં બનાવવું? આવો જાણીએ આ તમામ પ્રશ્નોના જવાબ...

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે જે એક પ્રકારનું ઓળખ પત્ર હશે. આ આધાર કાર્ડ જેવું જ હશે જેમાં ૧૪ આંકડાનો એક નંબર હશે. તેના દ્વારા કોઈ પણ દર્દીની અંગત મેડિકલ હિસ્ટ્રીનો ખ્યાલ આવશે. આ કાર્ડ આધારના માધ્યમથી પણ બનાવી શકાશે અને ફકત મોબાઈલ નંબરથી પણ બનાવી શકાશે.

યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ હશે કે જો તમે દેશની કોઈ પણ જગ્યાએ સારવાર માટે જશો તો તમારે કોઈ તપાસ રિપોર્ટ કે ચિઠ્ઠી લઈ જવી પડશે નહીં. તમને સવાલ થશે કે આવું કેમ, તો આવું એટલા માટે કે તમારી તમામ જાણકારી હેલ્થ કાર્ડમાં હશે. ડોકટર ફકત તમારા આઈડીથી તે જાણી શકશે કે તમને પહેલા કઈ બીમારી હતી અને તમારી સારવાર કઈ જગ્યાએ થઈ હતી.

પ્રત્યેક દર્દીનો સમગ્ર ડેટા રાખવા માટે હોસ્પિટલ, કિલનિક અને ડોકટર્સને એક સેન્ટ્રલ સર્વરથી લિંક કરવામાં આવશે. એટલે કે તેમાં હોસ્પિટલ, કિલનિક અને ડોકટર પણ રજિસ્ટર થશે. જોકે, હજી સરકાર બધા માટે ફરજિયાત નહીં કરે પરંતુ પ્રયાસ એ છે કે ધીમે ધીમે પ્રત્યેક વ્યકિત આ સિસ્ટમમાં આવે જેનાથી વ્યકિતગત સ્વાસ્થ્ય રેકોર્ડ રાખવામાં સરળતા રહે. તેનાથી તમામ કાગળિયાઓમાંથી મુકિત મળશે, ના ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈશે કે પછી ના બિલની કોઈ ઝંઝટ રહેશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ દર્દી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તે અન્ય શહેરની કોઈ બીજી હોસ્પિટલમાં જવા ઈચ્છે છે અને તે હોસ્પિટલ આ યોજનામાં સામેલ છો તો દર્દીએ પોતાની સાથે કોઈ ફાઈલ, રિપોર્ટ્સ કે અન્ય કાગળિયા લઈ જવાની જરૂર નથી. આ તમામ માહિતી હેલ્થ કાર્ડ દ્વારા જ મળી જશે.

આ હેલ્થ કાર્ડ બનાવવું એકદમ સરળ છે. સૌથી પહેલા તો તમારે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની વેબસાઈટ પર જવું પડશે. જયાં તમારી સામે તમારું યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવાનો વિકલ્પ હશે. આ વિકલ્પ પર કિલક કરતા જ તમારા કાર્ડ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

આ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ આપવો ફરજિયાત નથી. તેમાં સૌથી પહેલા આધારની માહિતી માંગવામાં આવશે. તમારે તમારો આધાર નંબર આપવો પડશે અને ત્યારબાદ ઓટીપી નાંખીને વેરિફાઈ કરવું પડશે. જો તમે આધારની માહિતી આપ્યા વગર જ હેલ્થ કાર્ડ બનાવવા ઈચ્છો છો તો તમે તેનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. તમે ઈચ્છો તો મોબાઈલ નંબર દ્વારા પણ હેલ્થકાર્ડ બનાવી શકો છો. મોબાઈલ નંબર આપ્યા બાદ તમારે ઓટીપી દ્વારા તેને વેરિફાઈ કરવું પડશે.

વેરિફાઈ થયા બાદ તમારે તમારી પ્રોફાઈલ માટે એક ફોટો, તમારી જન્મ તારીખ, એડ્રેસ સહિત કેટલીક જાણકારી આપવી પડશે. આ માટે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં તમારે આ માહિતી ભરવી પડશે. તમામ માહિતી ભરાઈ ગયા બાદ તમારી સામે એક હેલ્થ આઈડી બનીને આવી જશે. જેમાં તમારી માહિતી, ફોટો અને સાથે એક કયુઆર કોડ હશે. આ કાર્ડ દ્વારા તમને ભવિષ્યમાં ઘણી સુવિધાઓ મળશે.

(10:29 am IST)