Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સૌરાષ્‍ટ્રના ૬૪ ડેમો છલોછલ : અછત તણાઇ ગઇ : ખેતી માટે આફત ઉગી

નર્મદા ડેમની આજે સવારની સપાટી ૧૨૬ મીટર : ડેમમાં ૬૩.૬૦ ટકા પાણી : મગફળી - કપાસ - તલીના પાકને પારાવાર નુકસાન : હવેના વરસાદથી મળતુ પાણી શિયાળુ પાક માટે ઉપયોગી

રાજકોટ તા. ૩૦ : ગુજરાતમાં ઓગસ્‍ટમાં મેઘરાજાએ રાહ જોવડાવ્‍યા બાદ સપ્‍ટેમ્‍બરમાં ધોધમાર વરસતા હવે ખેતીને નુકસાન થઇ રહ્યું છે. સૌરાષ્‍ટ્રમાં પીવાના પાણીની નિરાંત થઇ ગઇ છે પણ ખરીફ પાક માટે આફત ઉગતા ખેડૂતો ચિંત સાથે સરકારી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આજે સવારની સ્‍થિતિએ સૌરાષ્‍ટ્રના ૧૪૧ પૈકી ૬૪ ડેમ છલોછલ થઇ ગયા છે. કુલ જળસંગ્રહ ક્ષમતાનું ૮૫.૯૬ ટકા પાણી થયું છે.
સૌરાષ્‍ટ્રમાં ચોમાસુ પાક તરીકે મુખ્‍યત્‍વે મગફળી અને કપાસ છે. અમુક જગ્‍યાએ તલી પણ વાવવામાં આવે છે. સૌરાષ્‍ટ્રના મોટાભાગના વિસ્‍તારોમાં છેલ્લા અઠવાડિયાના ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. મગફળી ઉપાડવાની તૈયારી હતી ત્‍યાં જ વરસાદ તૂટી પડતા ખેતરમાંથી ઉપાડવાની કામગીરી અટકી પડી છે. જમીનમાં અંદર જ મગફળી ઉગવા લાગી છે. જે ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં પાથરા (ઢગલા) કરેલ તેના પર વરસાદ પડવાથી મગફળી બગડી ગઇ છે. ગયા વર્ષ કરતા ૫૦ ટકા જ મગફળી બજારમાં આવે તેવો હાલનો અંદાજ છે.
કપાસ પણ સૌરાષ્‍ટ્રનો અગત્‍યનો પાક છે. વધુ પડતા વરસાદથી તેનો હાલ ખરવા માંડયો છે. તલીનું પણ ધોવાણ થઇ ગયું છે. અતિની ગતિ નહિ તે કહેવત ખરીફ પાક માટે લાગુ પડી છે. દર વર્ષે મગફળી નવરાત્રિ ટાણે અને કપાસ દિવાળી આસપાસ બજારમાં આવતો હોય છે. જો કે આ વરસાદથી જળ જથ્‍થો વધુ ઉપલબ્‍ધ થતાં  ઘઉં, ચણા, જીરૂ જેવા શિયાળુ પાક માટે ઉપયોગી થશે.

ગુજરાતના ડેમોની સ્‍થિતિ

 

૧૦૦ ટકા ભરેલા

૭૫

૭૦ થી ૧૦૦ ટકા ભરેલા

૬૦

૫૦ થી ૭૦ ટકા ભરેલા

૨૩

૨૫ થી ૫૦ ટકા ભરેલા

૨૬

૨૫ ટકાથી ઓછા ભરેલા

૨૨

કુલ ડેમો

૨૦૬

 

(11:13 am IST)