Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

જનતાને મોટો આંચકો! ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

આજે પેટ્રોલના રેટમાં લગભગ ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો તો ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો ઝીંકાયો

મુંબઇ, તા.૩૦: સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી દીધો છે. દેશના લગભગ તમામ શહેરોમાં આજે પેટ્રોલના રેટમાં લગભગ ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો ઝીંકાયો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુજબ, દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૬૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

નોંધનીય છે કે, સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ ૨૨ દિવસ બાદ મંગળવારે પેટ્રોલની કિંમત વધારી છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં સતત વધારાનું વલણ ચાલું છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૨૦ પૈસા વધારવામાં આવી હતી, ડીઝલ ૨૫ પૈસા મોંદ્યું થયું હતું.

 દિલ્હી પેટ્રોલ ૧૦૧.૬૪ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર

 મુંબઈ પેટ્રોલ ૧૦૭.૭૧ રૂપિયા અને ડીઝલ ૯૭.૫૨ રૂપિયા પ્રતિ લીટર

 ચેન્નાઈ પેટ્રોલ ૯૯.૩૬ રૂપિયા અને ડીઝલ ૯૪.૪૫ રૂપિયા પ્રતિ લીટર

 કોલકાતા પેટ્રોલ ૧૦૨.૧૭ રૂપિયા અને ડીઝલ ૯૨.૯૭ રૂપિયા પ્રતિ લીટર

નોંધનીય છે કે, ભારતીય ઓઇલ કંપનીઓએ હાલમાં ૨૪ સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં ૨૦ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ત્યારબાદ ૨૬ સપ્ટેમ્બરે ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો હતો. ૨૮ સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં ફરી ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતો વધી રહી છે તેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે.

(11:48 am IST)