Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રસીકરણમાં ગતિ આવવાથી દૂર થઇ લૈંગિક અસમાનતા

૧૦૦૦ પુરૂષો સામે ૯૧૯ મહિલાઓને મુકાઇ રસી

નવી દિલ્હી તા. ૩૦ : થોડા મહિના પહેલા સુધી કોરોના રસીકરણ બાબતે દેશ લૈંગિક અસમાનતાનો સામનો કરી રહ્યો હતો પણ હવે સ્થિતિમાં બહુ ઝડપથી સુધારો થયો છે. હવે ૧૦૦૦ પુરૂષોએ ૯૧૯ મહિલાઓ કોરોના રસી લઇ ચૂકી છે. આ ફેરફાર ૨૭ જૂનથી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે ઝડપથી થયો છે.

આ પહેલા જૂનના પહેલા સપ્તાહમાં આરોગ્ય મંત્રાલયે રસીકરણમાં ૧૫ ટકા લૈંગિક અસમાનતાના દરની વાત સ્વીકારી હતી. તે વખતે દર ૧૦૦૦ પુરૂષોએ ફકત ૮૫૫ મહિલાઓએ રસી લીધી હતી.

એક સીનીયર અધિકારીએ કહ્યું કે, કોરોના રસી બાબતે ગર્ભવતી મહિલાઓમાં જાગરૂકતા બહુ ઓછી છે. દેશમાં લગભગ બે લાખથી ઓછી ગર્ભવતી મહિલાઓનું રસીકરણ થયું છે, જ્યારે સંક્રમણનું જોખમ તેમાં વધારે છે.

દેશમાં સતત બીજા દિવસે ૨૦ હજારથી ઓછા નવા કેસ આવ્યા છે. જોકે સંક્રમણથી મરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૭૦ નવા કેસ આવ્યા છે અને ૩૭૮ લોકોના મોત થયા છે. જ્યારે ૨૮૧૭૮ લોકો સાજા થયા છે. ૨૮ સપ્ટેમ્બરે ૧૮૭૯૫ નવા કેસ આવ્યા હતા અને ૧૭૯ સંક્રમિતોના મોત થયા હતા.

(11:50 am IST)