Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ભવાનીપુરમાં કલમ 144 વચ્ચે મતદાન: બૂથ કેપ્ટર કરવા મશીનોને બંધ કરાવ્યાનો ભાજપનો આરોપ

ત્રણ ચૂંટણી ક્ષેત્રમાં કેન્દ્રીય દળની કુલ 72 કંપનીઓ તૈનાત: ભવાનીપુરના 97 મતદાન કેન્દ્રમાં બનેલા 287 બૂથમાંથી દરેકમાં ત્રણ કર્મી કાર્યરત : ચૂંટણી ક્ષેત્રમાં 38 સ્થળો પર બેરિકેડ લગાવ્યા

કોલકતા : પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન માટે સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે,મતદાન કેન્દ્રોના  200 મીટરના દાયરામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જેથી વોટિંગ દરમિયાન કોઇ પણ પ્રકારની ઘટનાથી બચી શકાય.

સવારે 7 વાગ્યાથી પોલિંગ બૂથ પર મતદાન શરૂ થયુ છે. તંત્રએ વોટિંગ માટે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. દરેક બૂથ પર કેન્દ્રીય દળના જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનરજી વિરૂદ્ધ લડી રહેલી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે 72 નંબરના વોર્ડની મુલાકાત લીધી હતી, તેમણે કહ્યુ, ‘મદન મિત્રાએ આ બૂથને કેપ્ટર કરવા માટે મશીનોને બંધ કરી રાખ્યા છે જેથી વોટર આવે અને ચાલ્યા જાય.”

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સહિત ત્રણ બેઠક પર સુરક્ષા અને વરસાદથી લડવાના ઉપાયો વચ્ચે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની ઉમેદવાર તરીકે ભવાનીપુરથી ચૂંટણી લડી રહી છે. પેટા ચૂંટણી દક્ષિણ કોલકાતાની ભવાનીપુર બેઠક સિવાય મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને સમસેરગંજ બેઠક પર પણ મતદાન થઇ રહ્યુ છે.

 

એક ચૂંટણી અધિકારીએ જણાવ્યુ કે ત્રણ ચૂંટણી ક્ષેત્રમાં કેન્દ્રીય દળની કુલ 72 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 35 માત્ર ભવાનીપુર મોકલવામાં આવી છે. ભવાનીપુરના 97 મતદાન કેન્દ્રમાં બનેલા 287 બૂથમાંથી દરેકમાં ત્રણ કર્મી તૈનાત રહેશે. ચૂંટણી પંચે ખરાબ હવામાનને જોતા સિંચાઇ વિભાગને એલર્ટ રહેવા કહ્યુ છે અને તમામ મતદાન કેન્દ્રોને પૂરના પાણી કાઢવા માટે પંપ તૈયાર રાખવાના આદેશ આપ્યા છે.

મતદાન કેન્દ્રોના 200 મીટરના દાયરામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે ભવાનીપુરમાં બૂથની બહારની સુરક્ષાની જવાબદારી કોલકાતા પોલીસ પાસે હશે અને તેને ચૂંટણી ક્ષેત્રમાં 38 સ્થળો પર બેરિકેડ લગાવ્યા છે.

(12:06 pm IST)