Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રાજસ્થાન કોંગ્રેસમા બગાવતનો બૂંગિયો ફુંકાયો : ચાર ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

બીએસપીમાંથી કોંગ્રેસમાં આવેલા 6 માંથી 4 ધારાસભ્યોના દિલ્હીમાં ધામા: અન્ય બે ગેહલોતને મળ્યા

જયપુર : રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એક નવી ઉપાધી શરૂ થઇ છે  આ વખતે બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે. બીએસપીમાંથી કોંગ્રેસમાં આવેલા 4 એમએલએ બગાવત કરવાના મૂડમાં છે. લાંબી રાહ જોયા બાદ 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જ્યારે 2 ધારાસભ્યો મોડી રાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીએસપીના 6 ધારાસભ્યોને ઘણા સમય પહેલા કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, આ ધારાસભ્યોને તે સમયે મંત્રીપદનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. હવે તે 6 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો બાગી બનવા લાગ્યા છે.

આ ધારાસભ્યોની ધીરજ ખૂટવા લાગી છે. તેમને લાગતું હતું કે, મંત્રીમંડળમાં કોઈ જગ્યા મળી જશે અથવા કોઈ રાજકીય પદ મળી જશે. પરંતુ જે રીતે રાજસ્થાનના મંત્રીમંડળનું સતત મોડું થઈ રહ્યું છે તેને લઈ એવું માનવામાં આવે છે કે, બસપામાંથી આવેલા ધારાસભ્યોમાં ખૂબ જ નારાજગી છે. આ કારણે 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં આ ધારાસભ્યોના કાર્યક્રમને લઈ વિવિધ અટકળો થઈ રહી છે.

દિલ્હી આવેલા 4 ધારાસભ્યોમાં રાજેન્દ્ર સિંહ ગુઢા, વાજિબ અલી, સંદીપ કુમાર, લાખન સિંહનો સમાવેશ થાય છે. ચારેય ધારાસભ્યો એક જ ગાડીમાં દિલ્હી પહોંચ્યા છે. જોકે વાતમાં અહીં પણ ટ્વીસ્ટ છે.

આ ધારાસભ્યોના કોંગ્રેસમાં જવાના નિર્ણયને બસપાએ સુપ્રીમ કોર્ટમાં દલબદલ કાયદા અંતર્ગત વિલયને પડકારી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા જ આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ રજૂ કરવા કહ્યું હતું. હવે આ ધારાસભ્યોને સદસ્યતા ગુમાવવાનો ડર લાગી રહ્યો છે.

(12:11 pm IST)