Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ખેડૂતે મોટર સાઇકલથી મગફળી છોડથી અલગ કરી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ : બાઇકના પૈડાની વચ્ચે છોડની દાંડલીઓ મૂકી દેવાય છે : જેથી મગફળી સરળતાથી તૂટીને જમીન પર પડે છે

નવી દિલ્હી,તા.૩૦: કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે અને કોઈપણ વસ્તુનું જુગાડ કરવામાં ભારતીય લોકોનું નામ સમગ્ર વિશ્વમાં મોખરે છે. અહીં ઘણીવાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે, જે દેખાવમાં આપણને વિચિત્ર લાગતી હોય છે પરંતુ, હોય છે ખુબ જ ઉપયોગી. આ વિડીયો જોઈને તમે આ વાતને સ્પષ્ટપણે સમજી શકો છો. આ વીડિયોમાં કેટલાક ખેડૂત ભાઈઓ ભેગા મળીને હીરો હોન્ડાની સ્પ્લેન્ડરનો કંઈક અલગ જ રીતે ઉપયોગ કરતા નજરે પડ્યા છે.

આ ખેડૂતો બાઇકના પાછળના વ્હીલનો ઉપયોગ કરીને સીંગદાણાને છોડથી અલગ કરી રહ્યા હતા. આ પહેલા પણ તમે સ્પ્લેન્ડર બાઇકનો ઉપયોગ આખલા તરીકે પણ થતો જોયો હશે ત્યારે આજે અહીં ફરી સ્પ્લેન્ડર બાઇકનો કંઈક નવીન જ રીતે ઉપયોગ કરવામા આવી રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં કેટલાક ખેડૂતો મેદાનમાં જમીન પર બેઠા છે. તેમની વચ્ચે એક સ્પ્લેન્ડર બાઇક પણ પાર્ક કરેલું જોવા મળી રહ્યુ છે ને તેની આજુબાજુ સીંગદાણા પણ વેરવિખેર સ્થિતિમાં પડેલા છે. આ બધા જ સીંગદાણા બાઈકની પાછળના પૈડાને એક નિશ્ચિત ગતિએ ઘુમાવીને છોડથી અલગ કર્યા છે. મોટર સાઇકલના પૈડાની વચ્ચે છોડની દાંડલીઓ મૂકીને મગફળીને સરળતાથી છોડમાંથી તૂટીને જમીન પાર પડી જાય છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો વર્ષ ૨૦૧૮માં વાયરલ થયો હતો જેને બિઝનેસમેન હર્ષ ગોએક્નાએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. સાચું કહું તો ખેતરમાંથી થોડી માત્રામાં મગફળી કાઢવા માટે ખેડૂત મજૂર અને મશીનના ખર્ચથી બચવા માંગતો હોય તો તે આ દેશી જુગાડનો ઉપયોગ કરીને સીંગદાણાને છોડમાંથી સરળતાથી અલગ કરી શકે છે. ખરેખર આવા દેશી જુગાડ ફક્ત આપણા દેશમાં જ થાય છે.

(3:31 pm IST)