Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

નવુ સંસદ ભવન વ્હાઇટ હાઉસને આટી દેશે

આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન વાસ્તુ વિજ્ઞાનનો સમન્વયઃ આવતા વર્ષે મોદીજીનું સપનુ સાકાર થશે : કુદરતી હવા-ઉજાસ અપાર હશેઃ ૫૦૦ વર્ષનું આયુષ્ય થઇ શકેઃ ૪૪૦૦ વૃક્ષોનું વનઃ લોકસભા ખંડમાં મોર અને રાજયસભામાં કમળ ડીઝાઇનની છાટઃ અદભૂત અકલ્પનીય આયોજન : ભારતમાં ભવિષ્યમાં ૧૨૭૨ સાંસદો હશે

નવી દિલ્હીઃ તા.૩૦, દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયે દેશવાસીઓને પોતાનું સંસદ ભવન મળશે. નવા સંસદ ભવનની મહતા એ વાત ઉપરથી લગાવી શકાય  કે જે દિવસે નરેન્દ્રભાઇ અમેરીકાના ત્રણ દિવસીય પ્રવાસથી પરત ફર્યા તે જ દિવસે તેમણે સંસદ ભવનના ચાલી રહેલ કાર્ય જોવા સાઇટ ઉપર પહોંચી માહિતી મેળવી હતી.

ભારતનું નવુ સંસદ આપણી સંસ્કૃતિ, સભ્યતા, પરંપરાની સાથે આધુનિકતાના સમન્વયથી બનાવામાં આવી રહયું છે. જે રેકોર્ડ સમયમાં બનીને તૈયાર થઇ જશે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કાર્યવન્તીત સંસદ ભવન આવતા વર્ષે ઓકટોબર ૨૦૨૨માં બનીને તૈયાર થઇ જવાની શકયતા છે. સંસદનું આવતા વર્ષનું શિયાળુ સત્ર પણ નવા ભવનમાં જ યોજાય તેવી પુરી સંભાવના છે.

નવા સંસદ ભવનની બનાવટ કંઇક એવી છે કે જેમાં આવતા ૨૫૦ વર્ષ સુધી  સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલી શકશે. સંસદ ભવનના નિર્માણમાં લાગેલ અધિકારીઓ અને એન્જીનીયરોનું માનવુ છે કે નવા ભવનની યોગ્ય કાળજી વખતો વખત રાખવામાં આવે તો ૫૦૦ વર્ષ સુધી અહિં આરામથી કામકાજ ચાલી શકે તેમ છે. હાલનું સંસદ ભવન અંગ્રેજો દ્વારા કાઉંસીલ હાઉસ તરીકે બનાવાયેલ જે ૧૯૨૭માં બનીને તૈયાર થયેલ.

પણ જયારે દેશ આઝાદ થયો ત્યારે આ કાઉંસીલ હાઉસને સંસદ ભવનમાં તબદીલ કરાયેલ. વર્તમાન ભવન પૂર્ણ લોકતંત્રની દ્વી સદનીય (બે સદન) રૂપરેખાને ધ્યાને રાખી બનાવામાં ન આવેલ. આ ભવનને ૧૦૦ વર્ષ પુરા થવામાં છે અને તેમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. હાલનું ભવન ભુકંપ પ્રુફ નથી. જયારે ૧૯૨૭ માં આ ભવન બન્યુ ત્યારે ત્યાં સીસમિક ઝોન-૨ હતુ. જયારે દિલ્હી હાલ ઝોન-૪માં છે. અને નવા સંસદ ભવનનું બાંધકામ સીસમિક ઝોન-૫ મુજબ કરવામાં આવી રહયું છે.

કુદરતી પ્રકાશ ભરપુર

હાલના સંસદ ભવનમાં કુદરતી પ્રકાશની વ્યવસ્થા ઓછી છે જયારે નવા ભવનને એ રીતે બનાવામાં આવી રહયું છે. જેથી પ્રાકૃત્તિક અજવાસ પુરતા પ્રમાણમાં મળી રહે. ઉપરાંત અત્યારના ભવનમાં ફાયરસેફટી સીસ્ટમ પણ એક ગંભીર મુદો રહયો છે. આગથી બચાવની વ્યવસ્થા એવી નથી કે જે આધુનિક સમયમાં ખરી ઉતરે. જેથી નવા ભવનમાં ફાયર સેફટી અંગે પણ પુરૂ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

કેમ પડી તત્કાલ જરૂર ?

નવા ભવનની જરૂર તાત્કાલીક પણ છે કેમ કે બંધારણમાં અનેક સંસોધનો પછી લોકસભામાં સભ્યોની સંખ્યા ૧૯૭૬માં વધુમાં વધુ ૫૫૨ નકકી કરાયેલ. એટલે લગભગ ૨૫ લાખ લોકો વચ્ચે એક સાંસદનું પ્રાવધાન નકકી થયેલ. જયારે આઝાદીના સમયે તે આંકડો લગભગ ૫ લાખની જનસંખ્યાએ એક સાંસદનો હતો. પણ નકકી વર્ષ (ફ્રીઝ યર) એટલે કે ૨૦૨૬ પછી ૫૫૨ સભ્યોની સંખ્યાની મર્યાદા હટાવાશે ત્યારે લગભગ દોઢ ગણા સભ્યો ઉમેરાશે. આ પણ મુખ્ય કારણ છે નવા સંસદ ભવન નિર્માણ માટે.

નવા ભવનમાં ૧૨૭૨ બેઠકો

નવા સંસદ ભવનમાં લોકસભામાં ૧૨૭૨ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવશે. જે સંયુકત સત્રમાં પણ પરિપુર્ણ રહેશે. નવા લોકસભા ખંડમાં ઇન્ટીરીયર ડીઝાઇનમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજયસભામાં રાષ્ટ્રીય ફુલ કમળની છાંટ જોવા મળશે. એટલુ જ નહિ ૨૧ ફુટ ઉંચા અને ૧૦ ફુુટ પહોળા રાષ્ટ્રીય ચિન્હ અશોક ચક્ર પણ નવા સંસદ ભવનની શોભા વધારશે.

સંસદમાં ચોતરફ હરીયાળી

નવા સંસદ ભવનમાં ૪૪૦૦ વૃક્ષો વાવવામાં આવશે. ઉપરાંત આ ભવનની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે જેથી સેંકડો વર્ષ પ્રાચીન પીપળાનું વૃક્ષ પણ ભવનની અંદર રહેશે. માહિતી મુજબ નિર્માણમાં પર્યાવરણના દરેક માપદંડો તથા સુપ્રીમ કોર્ટના દરેક નિર્દેશોનું પાલન કરાયું છે. ૮૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ૬૫ હજાર વર્ગ મીટરમાં નિર્માણાધીન સંસદ ભવનમાં નરેન્દ્રભાઇના ૩ મંત્રો સ્કેલ, સ્કીલ અને સ્પીડ ઉપર સંપૂર્ણ ફોકસ કરવામાં આવી રહયું છે. ઉપરાંત હાલના ભવનમાંથી જે ૪૦૪ વૃક્ષો કાઢવામાં આવ્યા છે તેનુ રીલોકેટીંગ કરાયુ છે અને તેમાંથી ૮૦ ટકા વૃક્ષો નવી જગ્યાએ પાંગરવા પણ લાગ્યા છે.

(3:32 pm IST)