Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રેલવે મંત્રીએ કરી જાહેરાત

દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડશે

પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ ૨૦૨૬માં મળશે : પ્રોજેકટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી પૂરી

નવી દિલ્હી તા. ૩૦ : દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ ૨૦૨૬માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેકટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે હજુ મહારાષ્ટ્રમા આ કામગીરી ખૂબ ઓછી થઈ શકી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે દેશમાં પહેલી વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ કરવામાં અનેક તકલીફો આવી છે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં પ્રોજેકટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે ૫૦ જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર ૨૦૧૭માં બુલેટ ટ્રેન પ્રોજેકટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેકટ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેકટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેકટ પૂર્ણ થવામાં હજુ ૫ વર્ષથી વધુનો સમય લાગી શકે છે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ કરી છે.

(3:34 pm IST)