Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કેન્દ્રમાં મોદી સરકારની રચના બાદ ગુજરાતની એજન્સીઓને મળ્યું ૩૫૦ ટકા વધુ ફંડઃ CAG

૨૦૧૫ બાદ વધુ ફંડ મળ્યુઃ ખામીઓ કરી ઉજાગર

નવી દિલ્હી, તા.૩૦: ભારતના કંટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ (સીએજી) એ કહ્યું છે કે કેન્દ્ર પાસેથી ગુજરાતમાં વિભીન્ન કાર્યાન્વયન એજન્સીઓ, ખાનગી ટ્રસ્ટો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યકિતને ડાયરેકટર હસ્તાંતરીત કરતા નાણાંનું પ્રમાણ ૨૦૧૫ પછીથી ૩૫૦ ટકા વધી ગયું છે, જે રાજયના વાર્ષિક નાણાકીય ખાતાઓમાં નથી દેખાતું.

મંગળવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ ઓડીટ રિપોર્ટમાં સીએજીએ કહ્યું કે ૧ એપ્રિલ ૨૦૧૪ થી ભારત સરકારે કેન્દ્ર પ્રાયોજીત યોજનાઓ માટે બધી મદદ અને રાજય સરકારોને વધારાની કેન્દ્રિય સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં જો કે, કેન્દ્રિય નાણાનું રાજય કાર્યાન્વયન એજન્સીઓને ડાયરેકટ હસ્તાંતરણ ૨૦૧૯-૨૦ દરમ્યાન પણ ચાલુ રહ્યું.

સીએજીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેકટ હસ્તાંતરણ કરાયેલ નાણાનું પ્રમાણ ૨૦૧૯-૨૦માં ૩૫૦ ટકા વધીને ૧૧૬૫૯ કરોડ રૂપિયા થઇ ગયું. જે ૨૦૧૫-૧૬માં ૨૫૪૨ કરોડ રૂપિયા હતું.

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે ૨૦૧૯-૨૦ દરમ્યાન ભારત સરકાર દ્વારા ખાનગીક્ષેત્રની કંપનીઓને ૮૩૭ કરોડ રૂપિયા, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ૧૭ કરોડ રૂપિયા, ટ્રસ્ટોને ૭૯ કરોડ રૂપિયા, રજીસ્ટર્ડ એનજીઓને ૧૮.૩૫ કરોડ રૂપિયા અને વ્યકિતઓને ૧.૫૬ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ડાયરેકટ અપાઇ હતી.

(3:34 pm IST)